પૃષ્ઠ:Bansari.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મુકદ્દમાની વિગતો: ૧૨૧
 


‘બંસરી અને સુરેશનાં લગ્ન થવાનાં હતાં તે તમે જાણો છો ?’

જે જાણતું તે એની હા પાડતું અને પોલીસ અગર નોકરવર્ગના સાક્ષીઓ ના પાડતા.

‘બંસરી અને સુરેશ વચ્ચે ગાઢ પ્રેમ હતો. એ વાત ખરી ?’

મુકુંદપ્રસાદ અને તેમનાં પત્નીએ કહ્યું :

'તેની અમને શી ખબર ?'

કુંજલતાએ કહ્યું : ‘હા.’

‘તમે શાથી જાણો છો ?' દિવ્યકાન્તે પૂછ્યું.

‘બંસરી અને હું લગભગ સરખાં છીએ. મારી તે સખી હતી અને મને ગુપ્તમાં ગુપ્ત વાત પણ કહેતી.'

‘સુરેશની વિરુદ્ધ કદી તેણે ફરિયાદ કરી હતી ?’

‘કદી નહિ.’

'ત્યારે તમારી ખાતરી છે કે એ બંને વચ્ચે કદી અણબનાવ થયો નહોતો ?'

‘મારી ખાતરી છે.'

‘જ્યારે તમારી ખાતરી છે તો પછી આવું ખૂન કરવામાં સુરેશનો શો હેતુ હશે ?'

‘સુરેશે ખૂન કર્યું છે એમ હું કહેતી જ નથી.’

અત્રે વકીલ નવીનચંદ્ર ઊભા થયા અને બોલ્યા :

‘નામદાર ! ઉત્તર જુબાનીમાં ન જવો જોઈએ. પ્રશ્નનો ઉત્તર હા કે નામાં જ હોય. આ તો ઈલાયદા કથન થાય છે.'

મારા વકીલે કહ્યું :

‘મારા વિદ્વાન મિત્રનો વાંધો વાસ્તવિક નથી. હું પ્રશ્ન પૂછું છું અને સાક્ષી એ પ્રશ્ન સમજી જઈ જે જવાબ આપે તે તેની જુબાનીમાં લેવો જ જોઈએ.'

આમ થોડીક વાર મને ન સમજાય એવી અર્થ વગરની પરંતુ વકીલોને મન ભારે કિંમતની તકરાર ચાલી. ગંભીરતાની અને સત્તાની મૂર્તિસમા ન્યાયાધીશે બિલકુલ રસ વગર આ તકરાર સાંભળી જણાવ્યું :

‘એ ઉત્તર જુબાનીમાં લેવા અડચણ લાગતી નથી.’

'પણ નામદાર કોર્ટ મારો એ સંબંધમાં વાંધો નોંધી રાખવો જોઈએ.’ નવીનચંદ્રે કહ્યું.