પૃષ્ઠ:Bansari.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લી ઘડીએ મહત્વની સાક્ષી : ૧૩૩
 

હસવાના પ્રસંગો જૂજ મળતા હોવા જોઈએ. છતાં તેમની ગમગીનીમાંથી પણ તેમનું ગૌરવ દેખાઈ આવતું હતું. ઓઢેલા ઝભ્ભાથી તેમનો દબદબો ઘણો વધી ગયેલો લાગતો હતો. સહુ કોઈ ઊભા થઈ ગયા, અને તેમના બેઠા પછી બેસી ગયા. એકદમ આખી કોર્ટમાં શાંતિ પ્રસરી. જે સ્થળે પ્રથમ શાંતિ રાખવા માટે કચેરીના પટાવાળાઓથી માંડી ન્યાયાધીશ સુધીના અમલદારને વખતોવખત પ્રયત્ન કરવો પડતો હતો, ત્યાં આગળ હવે એક સોય પડે તોપણ સંભળાય એવી ચુપકીદી પથરાઈ ગઈ.

મારા પગનું જોર જતું રહ્યું. મારા શરીરમાં એવી ભયાનક નબળાઈએ પ્રવેશ કર્યો કે મને મૂર્છા આવવાનો ભય લાગ્યો; મારી જીભમાંથી અમી ઓસરી ગયું; મારું હૃદય પણ ઝડપથી ધબકવા માંડ્યું. આટલી બધી મેદનીમાંથી મારો ત્રાતા એક પણ માણસ થઈ શકે એમ નહોતું. મને બીજા કેદીઓની માફક બાંધ્યો નહોતો, મને પિંજરામાં સતત ઊભો પણ રાખતા નહોતા. મારી પ્રથમની સ્થિતિનો વિચાર કરીને અગર મારી શારીરિક નબળાઈનો વિચાર કરીને બેસવા માટે ખુરશી આપવામાં આવી હતી. એ ખુરશી ઉપરથી હું જરૂર પડી જાત. પરંતુ છેલ્લી ઘડીએ મારું સ્વમાન મને એ અપકીર્તિમાંથી બચાવી શક્યું. મૃત્યુ તો છે જ, પછી સ્થિર ઊભા રહી શા માટે ન મરવું ? મારી બીક જોઈ મૃત્યુને અગર ન્યાયાધીશને મારી દયા આવવાની નથી. મેં મારા મનને મજબૂત કર્યું, અને ન્યાયાધીશનો જે ચુકાદો આવે તે સાંભળવા માટે મેં હૃદયને તૈયાર કર્યું. શો ચુકાદો આવશે. તે મારા મનથી નક્કી જ હતું; છતાં તેને માટે સર્વની માફક મને પણ જિજ્ઞાસા રહેતી જ.

ન્યાયાધીશે પાસેના એક શિરસ્તેદાર તરફ જોયું. તેણે ટાઈપ કરેલા કાગળોનો થોકડો મેજ ઉપર મૂકી દીધો. ન્યાયાધીશે કૉર્ટના ઓરડામાં નજર ફેરવી, જરા મારા તરફ દૃષ્ટિ સ્થિર કરી અને પોતાનો ઠરાવ વાંચવા માટે કાગળો હાથમાં લીધા. સહુ કોઈ તેમનું વચન સાંભળવા માટે એકાગ્ર બની ગયા. જેવો તેમણે એક બોલ કહેવાની શરૂઆત કરી કે તરત જ મારા વકીલ દિવ્યકાન્ત ઊભા થયા. ન્યાયાધીશને ઠરાવ વાંચી સંભળાવતાં વચ્ચે આવનાર વકીલની બેઅદબી તરફ વકીલમંડળે મુખથી નાખુશી દર્શાવી . આ બધું બન્યું તે એટલી ઝડપથી બન્યું કે તેમાં આટલું લખવા જેટલો પણ વખત ભાગ્યે વ્યતીત થયો હોય. ન્યાયાધીશે પણ કંટાળા ભરેલી દૃષ્ટિએ મારા વકીલ સામે જોયું. વકીલ બોલ્યા :

‘નામદાર સાહેબ ! આ ઠરાવ વાંચવાનું આવતી કાલ ઉપર મુલતવી રહે તો ઘણું સારું.’