પૃષ્ઠ:Bansari.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦: બંસરી
 

છે ? એ બાઈ ખરેખર બંસરી છે કે કેમ તેનો કશો પુરાવો થયો છે? હું પૂછવા માગું છું.’

એકાએક બંસરી ઊભી થઈ અને બોલી ઊઠી :

‘કોર્ટ સમક્ષ પ્રતિજ્ઞા ઉપર હું જાહેર કરું છું કે હું બંસરી છું.’

નવીનચંદ્ર આટલાથી ડરે એમ લાગ્યું નહિ. તેમણે તુરત ઉત્તર આપ્યો:

‘એ બાઈને એ પ્રમાણે કહેવા માટે જ લાવવામાં આવી છે. પરંતુ એ કહે છે તે ખરું છે એવી તો કોર્ટ ખાતરી કરશે જ ને ? આ જમાનામાં મુખપલટાની કળા એટલી બધી વધી ગઈ છે કે ગમે તે માણસ બીજા માણસનું આબેહૂબ રૂપધારણ કરી શકે.'

ન્યાયાધીશે મુખ ઉપર કંટાળો દર્શાવ્યો અને કોર્ટ બરખાસ્ત કરી. તેમણે જણાવ્યું કે મહત્ત્વની વિગતો આવી છે, એટલે તેઓ પોતાનો ઠરાવ આજે આપશે નહિ.

હવે કોર્ટની લાંબી વિગતો આપી હું કોઈને કંટાળો ઉપજાવીશ નહિ. બંસરી બંસરી જ હતી એમ સાબિત કરવામાં જરા પણ મુશ્કેલી નડી નહિ. ન્યાયાધીશે મને નિદોર્ષ ઠરાવી છોડી દીધો અને મને અંતઃકરણપૂર્વક મુબારકબાદી આપી. સામા પક્ષના વકીલ નવીનચંદ્રે પછીથી લાંબી તકરાર કરવી મૂકી દીધી; અને જે દિવસે મને નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવ્યો તે દિવસે નવીનચંદ્રે ખાસ મારી સાથે હાથ મેળવ્યા, મને અભિનંદન આપ્યું અને જોકે પોતે સામા પક્ષમાં હતા. છતાં આ ઠરાવથી પોતે ઘણા જ ખુશી થયા છે એમ પણ મને જણાવ્યું. તેમની આ લાગણી મને ખરા મનની લાગી. વકીલોનું પણ છેવટ માનવઘડતર તો છે જ ને ?

મારા કેસનો ચુકાદો આવ્યો. તે રાત્રે જ મને બંસરીના કાકાએ ખાસ આમંત્રણ આપી જમવા બોલાવ્યો. મને નવાઈ લાગી કે આટલી ઝડપથી તેમની નારાજી કેમ ઓછી થઈ ગઈ હશે ? તેમનો વધારે અનુભવ થતાં મારી ખાતરી થઈ કે તબિયતની અતિશય સંભાળ રાખતા, જીવનની ઝીણામાં ઝીણી બાબતોથી કંટાળી જતા આ વૃદ્ધને મારા તરફ અંગત દ્વેષ હતો જ નહિ. મારા વિરુદ્ધ ઊભા થયેલા કાવતરામાં તેમનો સહજ પણ હાથ નહોતો. તેમને બંસરી જોઈતી હતી. તે મળી અને તેનું ખૂન મેં કર્યું જ નથી એમ તેમની ખાતરી થઈ, એટલે તેઓ રાજી થયા.

બંસરી જીવતી પાછી આવ્યાની ખુશાલીમાં સહુએ તેને એટલી બધી ઘેરી લીધી હતી કે મારાથી તેને મળવાનું અશક્ય બની ગયું. મારી અને