પૃષ્ઠ:Bansari.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્યોતીન્દ્રની નોંધ:૧૪૫
 

જોયો. એવા એક પ્રસંગે મેં કુંજલતાને અને બંસરીને એ બંગલામાં જતાં જોયાં. હું જરા ચમક્યો. કર્મયોગીની અસર આટલે સુધી કેમ આવી તેનો મને વિચાર આવ્યો. એ જ દિવસે તેના એક શિષ્યને મેં કેટલીક વાત પૂછી. તેણે કહ્યું કે ઉચ્ચ કોટિના અધિકારવાળાં સ્ત્રીપુરુષોને ઊંચી ક્રિયાઓનું જ્ઞાન એ ધ્યાનમંદિરમાં અપાય છે."

"કર્મયોગીની આંખ ઉપરથી મને એટલી તો ખાતરી થઈ કે તેને હિપ્નોટિઝમ - સંકલ્પ બળના પ્રયોગો કરવાની ટેવ હોવી જોઈએ. યુવાન સ્ત્રીપુરુષો હિપ્નોટિઝમના મોહમાં જલદી પડી જાય છે, અને તેને ધાર્મિક સ્વરૂપ આપવાથી હિપ્નોટિઝમ શીખવનાર પ્રત્યે પ્રથમ પૂજ્યભાવ ઉત્પન્ન થઈ છેવટે શીખનાર સ્ત્રીપુરુષો શીખવનારને આધીન બની જાય છે. સંસ્કારી, સહૃદય, કેળવાયેલા વર્ગો ઉપર તેની જલદી અસર થાય છે."

"કુંજલતા અને બંસરી એ હિપ્નોટિઝમના પ્રયોગો કરવાની શરૂઆત કરતાં હતાં એવી મારી ખાતરી થઈ. એ પ્રયોગો કરવાની બંસરીને ખાસ ઈચ્છા થાય એ સ્વાભાવિક હતું. વશીકરણથી પુરુષને વશ કરી લેવાની સ્ત્રીની ઇચ્છા અનાદિ કાળથી ચાલી આવે છે. અલબત્ત, સ્ત્રીઓનું માનસ અને તેમનું દેહસૌન્દર્ય એવા વશીકરણની જરૂરતને ટાળી દે છે, છતાં વશીકરણનો લોભ સ્ત્રીહૃદયમાં અમર રહેશે એમ લાગે છે. સુરેશ કેટલાંક કારણોથી લગ્ન આગળ લંબાવ્યા કરતો હતો. વર્ષો સુધી બંસરીએ રાહ જોઈ, છતાં સુરેશની સ્થિતિ વધારે વિચિત્ર થતી ચાલી એટલે સ્વાભાવિક રીતે તે લગનની જવાબદારી આગળ ધકેલતો હતો. બંસરીથી તે સહન ન થાય અને હિપ્નોટિઝમના પ્રયોગોની સહાય લઈ સુરેશને જલદી વશ કરી લેવાની તેને ઇચ્છા થાય, તો તેમાં નવાઈ નહોતી."

"કુંજલતા એ કર્મયોગીની પ્રથમ શિષ્યા હતી, અને તેને લીધે જ બંસરીને કર્મયોગીનો પરિચય થયો હતો. કૉલેજમાં વિદ્યાર્થીઓ સમક્ષ માનસિક શક્તિઓ વિષે કર્મયોગીએ એક અસરકારક વ્યાખ્યાન આપ્યું હતું, ત્યારથી વિદ્યાર્થીવર્ગમાં તેને માટે અતિશય પૂજ્યભાવ ઉત્પન્ન થયો હતો. ઘણા શિષ્યોને કર્મયોગી યોગસાધના શીખવતો હતો."

“પરંતુ કર્મયોગીની સંયમી દેખાતી આંખમાં વિરાગ મેં કદી ભાળ્યો નહિ. શિષ્યાઓ તરફનો તેનો પક્ષપાત મને તરત સમજાઈ ગયો અને મેં જ્યારથી કુંજલતા અને બંસરીને ત્યાં જોયાં. ત્યારથી મેં તેની હીલચાલ ઉપર પૂરી દેખરેખ રાખી દીધી."

"મેં નહિ ધારેલું કે કર્મયોગીની યોજનાઓ આટલી ઝડપથી અને આટલી સાવચેતીથી અમલમાં મુકાશે. બંસરી એની યોજનાનો ભોગ