પૃષ્ઠ:Bansari.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬: બંસરી
 

પડ્યું. ઠરેલે સ્થળે રાતના નવ વાગ્યે કોઈક મહત્ત્વના માણસને હાજર કરવાનો હતો એમ તેમાં ફરમાન હતું. સુરેશ સિવાય આ સંજોગોમાં બીજું કોણ હોય ?"

"હું તત્કાળ બાતમી મેળવવા સુધાકરને ત્યાં ગયો. સુરેશ ત્યાં જ હતો. એટલે મારી ખાતરી થઈ કે સુધાકર આ કાવતરામાં સામેલ છે. પ્રશ્ન એટલો જ હતો કે કાગળ કોરો હતો અને વગર વાંચ્યે સુરેશ સુધાકરના અક્ષરો ઓળખીને જ તેને ત્યાં ગયેલો હોવો જોઇએ. સુધાકરે ગભરાઈને અગર ઉતાવળમાં ભારે ભૂલ કરી હતી ! તેને મળેલો કાગળ ભૂલથી સુરેશને લખવાના પત્રમાં તેણી નાખી દીધો હતો. થોડી વાર દેખાઈને પાછા લુપ્ત થઈ જતા અક્ષરોની તરકીબ સહુ કોઈ જાણે છે."

"સાધારણ વાતચીતમાં મેં ઘણી માહિતી મેળવી લીધી. હું જ્યાં જ્યાં જાઉ છું ત્યાં ત્યાં મારાં ગુપ્ત ચિહ્નો મૂકતો જાઉ છું. મારો શૉફર એ ચિહ્નોને બરાબર ઓળખે છે. સુધાકરને ત્યાં બહુ માહિતી હવે નહિ મળે એમ ધારી વકીલની માહિતી લેવા ગયો. નવીનચંદ્ર વકીલે મને ચોખ્ખું જણાવ્યું કે તેઓ સુરેશની તરફેણમાં ઊભા રહી શકશે નહિ કારણ, આ પહેલાં જ તેઓ સુરેશ વિરુદ્ધ મુકુંદપ્રસાદ તરફથી રોકાઈ ગયેલા છે."

"કઈ ઢબે સુરેશને કયા સ્થળે બોલાવવાનો હતો તે નક્કી કરવાનું કામ બહુ મુશ્કેલ થઈ પડ્યું. મારા શૉફરે આવીને મને ખોળી કાઢી એક ખબર આપી :

‘બંને જણ ધ્યાનમંદિરમાં ગયા નથી.’
‘તો પછી ક્યાં ગયા ?’
'ત્યાંથી થોડે દૂર એક બંગલો છે તેમાં ગયા.'
'કેવો બંગલો છે ?’
'મને ખાલી લાગ્યો.’
'પહેલાં ત્યાં કોઈ રહેતું ?’
'છ માસથી ખાલી જોઉ છું.’
'ઠીક. તું મોટર લઈ જા અને સુરેશ જ્યાં હોય ત્યાં નજર રાખી બેસજે.'

શૉફર ચાલ્યો ગયો. એ શૉફર પ્રથમ ગુનેગારોની ટોળીમાં હતો. મેં એ ટોળી પકડાવી ત્યારે મને શૉફરમાં બીજા બધા કરતાં વધારે લાયકી દેખાઈ આવી હતી. તેણે જે સત્ય અને નિષ્ઠા પોતાના ગુનેગાર દોસ્તો તરફ બતાવ્યા તે જોઈ મને તેને માટે ભાવ ઉત્પન્ન થયો હતો, અને તેને બચાવી