પૃષ્ઠ:Bansari.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬: બંસરી
 

જાળી જેવો ભાસ થયો. એ કાચમાં થઈને પ્રકાશ આવતો હતો, જે ઉપરથી જ મેં નીચે ઊતરવા હામ ભીડી હતી. કાચની અંદર જોયું તો એક બહુ વૈભવભરેલી ઓરડી જોવામાં આવી. એ ઓરડીનું વર્ણન આપવા કરતાં વધારે મહત્ત્વની વાત તો બંસરીને ત્યાં જોઈ એ હતી !

‘બંસરી બેઠી હતી. તેની આંખો ભારે રુદન કરી થાકી ગઈ હોય એવી લાગતી હતી. સામે કર્મયોગી બેઠો હતો. બંસરી તેના તરફ મુખ રાખીને બેઠી હતી.

'સુરેશને ગોળી વાગી.' જરા હસી કર્મયોગીએ કહ્યું.

‘પછી ?’ બંસરીએ પૂછ્યું.

‘પછી શું ? ગોળી વાગવાથી શું પરિણામ આવે ?’

‘માણસ મરી જાય.’ બંસરીએ ગભરાઈને કહ્યું.

'બરાબર છે.’ નિષ્ઠુરતાથી કર્મયોગીએ કહ્યું.

‘ઓ પાપી ! તે સુરેશને શું કર્યું ?' બંસરી બોલી ઊઠી.

'તે તું ધારી લે.’

'ઓ બાપ રે !’ કહી બંસરીએ માથું પટક્યું અને જમીન ઉપર ઢળી પડી.

‘કર્મયોગીએ સ્મિત કર્યું. અંદરથી બે-ચાર માણસો આવ્યા, તેમને કહ્યું:

'મોટરમાં લઈ જાઓ, કાશ્મીર ! ધ્યાનમાં આવ્યું ને ?’

‘તેમાંના એક જણે હા કહી, અને સહુએ બંસરીને ઊંચકવા માંડી.

‘બંસરીને ભાન આવ્યું. તેણે પોતાના ઉપાડવા સામે બળ વાપર્યું. '

'મને ક્યાં લઈ જાઓ છો ?’

'કાશ્મીર.'

'કેમ ?'

'તને બહુ ગમે છે માટે. એ સ્વર્ગ છે. ત્યાં તને સ્વર્ગનું સુખ આપીશ.’

'મને તો જ્યાં સુરેશ હશે ત્યાં જ સ્વર્ગનું સુખ મળશે; બીજે નહિ મળે.'

'સુરેશ તો ગયો.’

'હુંયે જઈશ.’

'તો ભલે. પરંતુ તે પહેલાં તારે હું કહું ત્યાં ચાલવું પડશે.’

'કદી નહિ બને.'