પૃષ્ઠ:Bansari.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂનની વધુ વિગત : ૧૫
 


‘એ બધું કેમ બન્યું ?' જ્યોતીન્દ્રે પૂછ્યું.

‘કશી સમજ પડતી નથી.’ રુદન મહા મુસીબતે અટકાવી કુંજલતા બોલી. ‘રાત્રે એક વાગતા સુધી તો અમે બંને જણ જાગતાં હતાં. એક ગીત પણ એણે મને બેસાડી આપ્યું. મેં એને ગાવાનું કહ્યું ત્યારે એણે ના પાડી. સુરેશભાઈનો છેલ્લો કાગળ આવ્યો ત્યાર પછી તેણે ગીત ગાવું જ બંધ કરી દીધું હતું. પછી તો હું સૂઈ ગઈ. અમે બંને એક જ ખંડમાં સૂતાં. બે વાગ્યા. મેં સાંભળ્યા નહિ, પરંતુ ત્રણ વાગ્યે બંસરીને ઓરડામાં ફરતી મેં જોઈ. મેં પૂછ્યું :

‘તું હજી સૂતી નથી ?’

‘ના.’ બંસરીએ જવાબ આપ્યો.

‘હું તારી પાસે આવું ?’ એમ મેં પૂછ્યું. પણ એણે ના પાડી. જરા રહીને એણે દીવો વધારે તેજવાળો કર્યો અને ધીમે રહી તે ખંડની બહાર જવા લાગી. મેં પૂછ્યું :

‘અત્યારે ક્યાં જાય છે ?'

‘આમ.' તેણે હાથ લાંબો કરી બારણાની બહાર આંગળી બતાવી. મારા મનમાં કે એને ઊંઘ આવતી નથી. એટલે સામેના ખંડમાંથી ચોપડી લાવવા તે જતી હશે, એટલે હું કશું બોલી નહિ. જરા વાર થઈ અને મને ઊંઘ આવવા માંડી. એવામાં જ એકાએક ફાનસ જોરથી પડ્યાનો અવાજ આવતાં હું ચમકીને બેઠી થઈ ગઈ, અને પુસ્તકવાળા ખંડમાંથી બંસરીની ચીસ મેં સાંભળી : ‘કુંજલતા ! જોને આ સુરેશ...' બસ ! એક ધબાકો થયો અને આખું વાતાવરણ શાંત બની ગયું. ભયથી થથરતી હું પથારીમાં જ કેટલીક વાર બેસી રહી.'

કુંજલતા આ વર્ણન આપતાં આપતાં અત્યારે પણ થથરતી લાગી. મને પણ એક જાતનો થથરાટ પેદા થયો. અહીં પણ મારું જ નામ ? આ બધું ચક્ર ફરી ફરીને મારા તરફ જ વળતું હતું, તો પછી ખરોખોટો ખૂનનો આરોપ હું જ મારે માથે કેમ ન વહોરી લઉં ?

‘હવે મને આગળ ના પૂછશો, મારાથી એ વિચાર જ થઈ શકતો નથી.' કુંજલતા બોલી અને ઝડપથી એકબે સ્ત્રીઓની સાથે પાસેના એક ઓરડામાં એ અદૃશ્ય થઈ ગઈ.

જ્યોતીન્દ્ર એક આંગળી હોઠ ઉપર મૂકી અંગૂઠો ગાલે ફેરવવા માંડ્યો. જરા દૂર ઊભા રહેલા એક નોકરને ઈશારત કરી તેણે પોતાની પાસે બોલાવ્યો. આનાકાની કરતો નોકર આગળ આવ્યો. જ્યોતીન્દ્રે બહુ ધીમેથી તેને પૂછ્યું :