પૃષ્ઠ:Bansari.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨: બંસરી
 

ઝપાઝપી થઈ. જ્યોતીન્દ્રે બૂમ મારી :

‘અરે કેમ લડે છે ? બેવકૂફ ! કોઈ રસ્તે જતા ગૃહસ્થની સાથે આમ થાય ? ચાલ, છોડી દે.’

પેલો શંકરને બોલાવી જનાર માણસ ગૃહસ્થ જેવો લાગતો હતો. જ્યોતીન્દ્રે નીચે ઊતરી એની માફી માગી પૂછ્યું :

‘વાગ્યું તો નથી ને ? આ હાથે શું થયું ?' તેની આંગળી ઉપર પાટો હતો. તેણે કહ્યું 'કાંઈ નહિ. એ તો જરા કાચ વાગ્યો.' કહી ઝડપથી તે ચાલ્યો ગયો.

‘ક્યારનો મોટર પાછળ સંતાયો હતો !' શૉફરે લડવાનું કારણ બતાવ્યું.

જ્યોતીન્દ્ર હસ્યો અને અંદર બેસી ગયો. એટલામાં મારા દુર્બળ મને અનેક તકવિતર્ક કરી એક નિશ્વય કર્યો હતો તે મેં જ્યોતીન્દ્રને કહ્યો :

‘જ્યોતિ ! એક ખરી વાત કહું?'

‘કહે.’

મોટર હવે અટકી નહિ અને ચાલવા માંડી. મેં ધીમેથી કહ્યું :

‘બંસરીનું ખૂન મેં જ કર્યું છે, હો !’