પૃષ્ઠ:Bansari.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધાર્યો અકસ્માત: ૪૯
 


શિવનાથના વહાલભર્યા આગ્રહને વશ થઈ હું મોટરમાં બેઠો. પગે ચાલવાથી હું ખરેખર કંટાળી ગયો હતો. અને મારા મનમાં ઈચ્છા હતી કે જ્યારે વકીલને ત્યાં જ જવું છે અને તેમના મહેમાનને માટે મોટર આવી છે. તો તેનો ઉપયોગ કરવામાં હરકત નથી.

મોટરમાં પણ અમે વાતો કરતા બેઠા. ખરું જોતાં નવીનચંદ્રને ત્યાં પહોંચવા માટે દસ મિનિટ કરતાં વધારે વખત જાય એમ હતું જ નહિ, છતાં વીસ પચીસ મિનિટ વાતોમાં નીકળી ગઈ તે જણાયું પણ નહિ. મોટર અટકી, એમને લાગ્યું કે વકીલના ઘર કરતાં જુદી જગ્યાએ અમે આવ્યા છીએ. શિવનાથે ઘડિયાળ તરફ જોયું અને મોટર અટકતાં જ પૂછ્યું :

‘શૉફર અહીં કેમ ગાડી લાવ્યો ?’

‘વકીલ સાહેબે આપને આ બંગલો અત્યારે બતાવી દેવાનું કહ્યું છે.’

‘અત્યારે હું કાંઈ જોતો નથી; ચલાવો.'

'દીવાની ગોઠવણી વિષે આપ સાહેબનો વાંધો હતો. તે ઘરના માલિકે દૂર કર્યો છે. ટેલિફોનથી વકીલ સાહેબને ખબર મળી એટલે આપને આ બાજુએ થઈને લાવવા જણાવ્યું છે. માલિકને પણ આપ આવશો એની સાહેબે ખબર આપી દીધી છે. તેઓ રાહ જોતા જ ઊભા છે. પછી આપની મરજી.'

‘કેવા અવ્યવસ્થિત લોકો છે ? સુરેશ ! દસેક મિનિટ અહીં રોકાઈએ તો તમને હરકત છે ?’ શિવનાથે પૂછ્યું.

મેં કહ્યું : ‘મને કશી હરકત નથી. માત્ર વકીલ સાહેબને આપેલો વખત વીતી ન જાય એટલું જ મારે જોવાનું છે.’

‘સાડા નવે પહોંચવું છે ને ? પાંચેક મિનિટની વાર થશે. અહીં ટેલિફોન છે. હું ખબર કહેવડાવું છું કે અમે પાંચ મિનિટ મોડા પડીશું. તમારા મિત્ર આવશે તો તેમને બેસાડશે.'

એટલું કહી શિવનાથ નીચે ઊતર્યો. હું પણ તેમની પાછળ ઊતર્યો. શિવનાથે આ બંગલા વિશે મને વાત કહી. તેઓ અઠવાડિયાથી નવીનચંદ્રને ત્યાં આવેલા હતા, પરંતુ વકીલના બહોળા કુટુંબમાં તેમજ ધંધાદારી ઘરમાં જોઈએ તેવી શાંતિ તેમને મળતી નહોતી. તેમણે નવીનચંદ્રને પ્રથમથી જ એક જુદું એકાંતમાં આવેલું મકાન પોતાને માટે ભાડે રાખવા જણાવ્યું હતું, પરંતુ નવીનચંદ્રના આગ્રહથી તેઓ તેમને ઘેર ઊતર્યા હતા. હવે તેઓ નવા મકાનમાં જવા માટે ઈંતેજાર હતા. તેમને દરેક રીતે શાંતિ જોઈતી હતી. વળી તેમને એક પુસ્તક શાંતિના સમયમાં તૈયાર