પૃષ્ઠ:Bansari.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અદ્દભુત રસ સંતોષવા માટે આ શાસ્ત્રીય જમાનામાં જાસૂસકથા બહુ ફળીભૂત થઈ છે.

ગુજરાતી ભાષામાં પણ જાસૂસકથાઓ લખાઈ છે અને લખાય છે. શેરલૉક હોમ્સને લગતી કથાઓનાં ભાષાન્તર પણ થયાં છે, અને આવી ઢબનાં લખાણમાં શ્રીયુત ધનસુખલાલ મહેતા જેવા ઉચ્ચ કોટિના લેખકે શરૂઆત કરી સારી નામના મેળવી છે. છતાં હજી આપણી જાસૂસકથાઓ પશ્ચિમના પડઘા સરખી લાગે છે એનું કારણ આપણા પરાધીન - સાહસરહિત - જીવનને આભારી હોય ખરું. એ જીવનમાં જાગૃતિ આવતી જાય છે, અને સંભવ છે કે આપણા જીવનને અનુરૂપ સ્વતંત્ર રચનાઓ રચવાનો સમય હવે બહુ દૂર નથી.

એનો અર્થ એવો નથી કે આ ‘બંસરી’ દ્વારા હું એવી શરૂઆત કરું છું. પાંચેક વર્ષ ઉપર ‘સયાજીવિજય’ પત્રના અધિપતિ રાજરત્ન માણેકલાલે એકાદ જાસૂસ–વાર્તા તેમના અઠવાડિક પત્રમાં લખવા માટે કહ્યું, અને મેં એ વાર્તા દર અઠવાડિયે લખી પૂરી કરી. એ વાર્તામાં કશું વિશિષ્ટ તત્ત્વ નથી. સામાન્યતઃ વાચકોની જિજ્ઞાસા જાગૃત રહે એવી ભેદી રચના રચવા ઝડપભર્યો પ્રયત્ન એમાં કર્યો છે. તે સફળ હશે કે કેમ તે વાચકો કહી શકે. ‘બંસરી’ એ કોઈપણ વાર્તાનો તરજુમો કે અનુવાદ નથી. અંધકારરમાં જ્યોતીન્દ્ર ધબકતાં હૃદયોને પરખી તે સામે પિસ્તોલ મારવાનો ભય બતાવે છે એને મળતો એક પ્રસંગ એક ટૂંકી અંગ્રેજી જાસૂસકથામાં વાંચ્યાનું યાદ આવે છે. જોકે તે કથાનું નામ તેમ જ લેખકનું નામ હું વીસરી ગયો છું.

આ વાર્તાને શ્રી આર. આર. શેઠ પ્રગટ કરે છે તે માટે હું તેમનો આભારી છું. વાચકો અને સાહિત્ય એમનાં આભારી થશે કે કેમ તે હું કેમ કહી શકું?

ગુલાબદાસ વકીલની વાડી,
નવસારી : ૧૫ ડિસેમ્બર ૧૯૩૨
રમણલાલ વ. દેસાઈ
 


બીજી આવૃત્તિની પ્રસ્તાવના

ત્રણ વર્ષમાં ‘બંસરી’ની બીજી આવૃત્તિ બહાર પડે એમાં મારા પ્રકાશક આર. આર. શેઠની કંપનીના સાહસનો તેમ જ ગૂર્જર જનતાનો મારે માત્ર આભાર માનવાનો જ રહે છે.