પૃષ્ઠ:Bansari.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨:બંસરી
 

તે કોનું તે યાદ આવ્યું જ નહિ.

હું બહુ મથ્યો. એક છેવટનો મિથ્યા પ્રયત્ન કરી મેં યાદશક્તિને કચરવી મૂકી દીધી. મને એકાએક હસવું આવ્યું. મારા જેવા મનુષ્યને દુનિયામાં ચાહનાર એક મૂર્ખ બંસરી તો હતી; પરંતુ આ વળી બીજું કોણ મૂર્ખ નીકળ્યું ? મને મારા સૌંદર્યને માટે અભિમાન નહોતું. જોકે સહુ કોઈ મારા સૌંદર્યના વખાણ કરતાં હતાં. હું એમાં તદ્દન બેપરવા હતો. મેં કદી ટાપટીપ કરી નથી. અને સ્ત્રીઓનું આકર્ષણ કરવા માટે યુક્તિઓ રચી નથી. તેને લઈને હું મિત્રોમાં હાસ્યપાત્ર બનતો, એટલું જ નહિ પણ મારી ખાતરી થઈ ગઈ હતી કે જગતમાં કોઈ સ્ત્રી જોરજુલમ કર્યા વગર મને મળશે નહિ. પ્રસંગ આવતાં બંસરીએ મારું હૃદય આકર્ષ્યું તે પહેલાં મને એમ પણ ખ્યાલ હતો કે સ્ત્રીઓ તરફ હું કદી ખેંચાઉ એવો દુર્બળ હૃદયનો નથી. પરંતુ બંસરી પ્રત્યેના મારા આકર્ષણમાં મને એ પણ જણાઈ આવ્યું કે બંસરી મારા પ્રત્યે આકર્ષાઈ છે. આ નવાઈ જેવા બનાવને સ્વીકારી લઈ હું ચાલતો હતો; પરંતુ એક કરતાં વધારે સ્ત્રી મને ચાહે એ કદી સ્વપ્નમાં પણ મેં ધારેલું નહિ. મારી હાસ્યવૃત્તિમાં કલ્પના ભળી :

‘આમ તો બેને બદલે બાર સ્ત્રીઓ મારા પ્રત્યે આકર્ષાય તો વળી મારી શી દશા થાય ?’

મને વિચાર આવ્યો. બાર સ્ત્રીઓના આકર્ષણનું મધ્યબિંદુ બની મારા જીવનની કલ્પના ખડી થતાં એક હાસ્યજનક ચિત્ર ખડું થઈ ગયું અને હું ખૂબ મોટેથી હસી પડ્યો.

ઝાડને ઓથે સંતાઈ રહેલી કોઈ વ્યક્તિ અદ્દભુત ચપળતાથી અદૃશ્ય થઈ ગઈ. પેલી સ્ત્રી તો ફરી નહિ આવી હોય ? એ વિચારે મારું હાસ્ય અટકી ગયું.