પૃષ્ઠ:Bansari.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભેદી મકાન : ૬૫
 

ગયો. ભીંત આ સ્થળે જીર્ણ હતી. એટલે સમજ પડી, નહિ તો આટલી સરળતાથી આવા ઊંચા કોટ ઉપરથી ચઢી ઊતરાય નહિ. જ્યાં ઊતર્યો ત્યાં નાના નાના છોડ હતા અને આગળ ઝાડીમાંથી પાછું એક મકાન દેખાતું હતું. દૂરથી એક કૂતરું સહેજ ભસ્યું. આ કૂતરાના ભસવાનો અવાજ જાણે પહેલી રાત્રે મેં સાંભળ્યો હોય એમ યાદ આવ્યું. પેલા બંગલા પાસેનો વણઝારી કૂતરો તો આ ન હોય ? જેમના છળથી હું પેલા બંગલામાં ફસાઈ પડ્યો હતો. તે જ અગમ્ય મનુષ્યો આ સ્થળમાં હશે કે કેમ ?

ભલે ગમે તે હોય ! હવે હું અજાણ્યો બનીને જતો નથી. કોઈના દોર્યાથી જતો નથી. કયા અજાણ્યા દુશ્મનો સાથે હવે મારે આથડવાનું છે તે નક્કી કરવાનો નિશ્ચય કર્યો, અને એકલે હાથે તે પાર પાડવા હું પ્રવૃત્ત થયો. જોખમ વહોરતો હતો. એ મારી જાણ બહાર નહોતું. પરંતુ આજ ચોવીસ કલાકની અંદરના અનુભવે મને બહુ જ સાહસિક બનાવ્યો. તેમાં બંસરીના ખૂનના આરોપે તો મને મારી જિંદગી માટે તદ્દન બેપરવા બનાવી દીધો !

આખું સ્થળ અને વાતાવરણ શાંત હતું. ઝાડની ઘટાને લીધે વગર દેખાયે આગળ વધવા માટે સારી સગવડ હતી. હું મકાન તરફ આગળ વધ્યો. મકાનના રક્ષણ અર્થે બહાર પહેરેગીરોની હાજરી હોય એમ મને લાગ્યું નહિ. મેં મકાનનો પાછલો ભાગ તપાસ્યો; ત્યાં આગળ તદ્દન શાંતિ હતી. મકાનમાં કોઈ માણસનો વસવાટ જ જાણે ન હોય એમ મને લાગ્યું. માણસો આટલી રાત્રે સૂઈ ગયાં હોય તોપણ શાંતિ તો હોય જ ને, એવો મને પ્રથમ વિચાર આવ્યો; પરંતુ આ સ્થળની શાંતિ એવી અજબ હતી કે મકાન હવડ હોવાનો જ મને ભાસ થયો.

ફરી ઘંટડીનો અવાજ મેં સાંભળ્યો. હવે તે બહુ પાસેથી આવતો લાગ્યો. મકાનના અંદરના ભાગમાંથી તે આવતો હતો. એમ મને ખાતરી થઈ. મકાનની અંદર જવા માટે મારી વૃત્તિ બહુ જ આતુર બની ગઈ. ક્યાં થઈને અંદર જવાય તે માટે મેં રસ્તા જોવા માંડ્યા. આગલી બાજુના દરવાજા સિવાય પ્રવેશનો એક્કે માર્ગ હતો જ નહિ એમ મને લાગ્યું. દરવાજો દરવાન વગરનો અંધકાર ભરેલો હતો. મેં અંદર જવા હિંમત ભીડી. દરવાજો ઓળંગી હું પગથિયાં ચડ્યો, અને પાંચ છ પગથિયાં ચડી રહેતાં એક બાજુ બારણું આવ્યું. જેવો મેં બારણામાં પગ મૂક્યો તેવો જ અંદરથી કોઈએ પ્રશ્ન પૂછ્યો :

‘કોણ છે ?'

આ સ્થળે કોઈ જ નહિ હોય એવી ધારણાથી હું આવ્યો હતો, તેને