પૃષ્ઠ:Bansari.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભેદી મકાન : ૬૭
 

પરંતુ તેના લાંબા વાળ છેક જમીન સુધી ફેલાયલા મને લાગ્યા. ખુલ્લું માથું, છૂટા વાળ, ટટાર દેહ, સુશોભિત વસ્ત્ર અને ભૂરો પ્રકાશ - એ સઘળાને લઈને કોઈ અદ્દભુત સૌંદર્યનો મને ભાસ થયો. પરંતુ એ સ્ત્રીની આસપાસના સુંદર વાતાવરણમાં મને કંઈ વિચિત્ર ભયંકરતા પણ દેખાઈ. તે સ્ત્રી જરા પણ હાલતી ચાલતી નહોતી, પૂતળામાં અને તેનામાં મને જરા પણ ફેર લાગ્યો નહિ.

તેની બરાબર સામે તેનાથી દૂર એક સુંદર મુખાકૃતિવાળો યુવાન એટલી જ સ્થિરતાથી બેસી રહ્યો હતો. તેનું મુખ મારા તરફ ફરેલું હતું એટલે તેને હું બરાબર નિહાળી શક્યો. તેની આંખો તદ્દન ઉઘાડી પરંતુ સ્થિર હતી. તેની આંખોના મિચકારા પ્રથમ તો મને દેખાયા જ નહિ, પરંતુ બહુ ધારીધારીને જોયા પછી મને લાગ્યું કે કવચિત્ તેનાં પોપચાં બિડાતાં હતાં, પણ તે બહુ જ વારે; સામાન્ય મનુષ્યો જેવી ઝડપથી એ આંખમાં મિચકાર થતા નહિ. એ પુરુષ પેલી સ્ત્રીના સામું જોયા કરતો હતો. એટલી મારી ખાતરી થઈ.

આવી એકાગ્રતાથી કોઈ સ્ત્રીના સામે જોવાનું કારણ શું ? શું કોઈ પ્રેમી પોતાની પ્રિયતમાના પૂતળાને આમ એકીટસે નિહાળી સાંનિધ્યનો આનંદ મેળવતો હતો ?

પુરુષ અલબત્ત સુંદર હતો, તથાપિ તેના ચહેરા ઉપર સખ્તીથી જબરજસ્ત છાપ પડેલી મને દેખાઈ. પ્રિયતમાની સામે નજર પડતાં મુખ આટલું કરડું કદી બની જાય નહિ. તેના મોટા વાળ ખભા સુધી પથરાયલા હતા અને વચમાં સેંથી પડેલી હોવાથી એ વાળ ટાપટીપથી સમારવામાં આવ્યા હતા એટલું તો લાગ્યું. ત્યાંના ભૂરા પ્રકાશને લીધે તેણે કેવા રંગનાં વસ્ત્ર પહેર્યા હતાં તે સમજાયું નહિ, પરંતુ મને લાગ્યું કે તેણે સફેદ ધોતિયું અને લાંબો અંચળા જેવો રેશમી ઝભ્ભો પહેરેલાં હતાં.

સ્ત્રી અને પુરુષ બંને મૃગચર્મ ઉપર બેઠેલાં હતાં. બંનેની વચમાં કશું જ નહોતું. ઓરડામાં દૂર બીજા પુરુષો કાંઈ પણ બોલ્યા વગર બેસી રહ્યા હતા.

‘આજે તારું મન કેમ વ્યગ્ર છે ?' થોડી વાર રહીને પેલો પુરુષ બોલ્યો. શાંત વાતાવરણમાં આ પુરુષના બોલાયલા બોલ કડક અને અસ્થાને લાગ્યા - જોકે પુરુષના કંઠમાં કઠોરતા હતી કે કેમ તે હું તે વખતે પારખી શક્યો નહિ.

‘કાંઈ નહિ, અમસ્તુ જ.’ પેલી સ્ત્રીએ જવાબ આપ્યો.

મારી હવે ખાતરી થઈ કે આ પૂતળું નહિ પણ જીવતી જાગતી સ્ત્રી જ