પૃષ્ઠ:Bansari.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારો રક્ષક : ૭૭
 

આ એક હતો. અને જેવી મારા તરફ ગોળી તાકી તેવો જ તેણે સ્ત્રીના હાથને ઝટકો મારી અગર બીજી રીતે રિવોલ્વરનું નિશાન ફેરવી નાખ્યું હશે. મારો ખરો બચાવ કરનાર એ જ પુરુષ હતો. પ્રત્યેક ક્ષણે મોતની આશા રાખી બેઠેલા મને ઉગારનાર પુરુષને સાત માણસો સામે ઝૂઝવાનો પ્રસંગ આવ્યો. હું કેવી રીતે એને સહાય આપી શકું ?

ભોંય ઉપર પડેલા પુરુષો પાછા ઊભા થઈ ગયા હતા. તેમાંના બે માણસો તો પેલી સ્ત્રી પાસે જઈને ઊભા. બાકીના પાંચ માણસોએ પેલાને ઘેર્યો. તેણે મુખ ઉપરથી લૂગડું હવે ખસેડી નાખ્યું હતું, પરંતુ તેનું મુખ મારાથી પૂરું દેખી શકાય એમ નહોતું. તેણે જરા પણ અસ્વસ્થતા દેખાડી નહિ. સાતે માણસોને તે પૂરો પડશે એવી તેના મનમાં જાણે ખાતરી હોય એમ તે નિર્ભય ઊભો હતો.

મને મારા ખિસ્સામાં રહેલી રિવોલ્વર યાદ આવી, જાળી ઉપરથી એક હાથે ખસેડી મેં ખિસ્સામાંથી રિવોલ્વર કાઢી અને જાળી અંદરથી તેની નાળ બહાર કાઢી. ઘેરી વળેલા પાંચ માણસોમાંથી બે જણ ઝડપથી ધસ્યા. મેં બૂમ પાડી :

'ખબરદાર !'

સૌ કોઈ જાળી ભણી જોવા લાગ્યા. મારું મુખ તો દેખાતું જ નહોતું, છતાં તાકીતાકીને સૌએ મારા તરફ જોવા માંડ્યું. એકાએક કોઈ માણસ ધસીને મારા બચાવનાર ઉપર તૂટી પડ્યો, પરંતુ તે સાવધ હતો. તેણે એવો જબરજસ્ત હડસેલો તેને માર્યો કે તે પાંચછ ડગલાં દૂર જઈને પડ્યો. ફરી બધા તેની તરફ ધસવા લાગ્યા. હું મોટેથી બોલી ઊઠ્યો :

'હવે એક ડગલું પણ જો કોઈ આગળ વધશે તો તે માર્યો જ સમજવો.'

સૌ સ્થિર ઊભા, અને પાછા મારા ભણી જોવા લાગ્યા. મને લાગ્યું કે ભૂરા પ્રકાશમાં જાળીમાંથી બેત્રણ આંગળ બહાર પડતું રિવોલ્વરનું નાળચું ભાગ્યે જ કોઈને દેખાતું હશે. એટલે ફરી એક માણસ આગળ આવવા લાગ્યો. મેં કહ્યું :

‘હરામખોર ! હજી સમજ પડતી નથી, ખરું ? મારા નિશાનમાં તમે બધા છો એ ભૂલશો નહિ.’

બે જણ હસ્યા. એક જણે કહ્યું :

‘ખોટું ડરાવે છે.'

‘તું હાથ કે પગ લંબાવ એટલે ખબર પડશે.’

પેલા માણસે કમનસીબે હિંમત કરી અને એક પગ આગળ મૂક્યો.