પૃષ્ઠ:Bansari.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨: બંસરી
 

રાક્ષસો...' કુંજલતાનો ઘાંટો સંભળાયો. તેનું વાક્ય પૂરું થયું નહિ અને મુખ ઉપર કોઈનો હાથ દબાવાયો હોય એમ લાગ્યું. એક ક્ષણમાં કુંજલતા તરફની બાજુ શાંત પડી ગઈ. મને ભય લાગ્યો કે વખતે એ યુવતી ને મારી નાખી હશે કે શું ? આ અંધકારમાં કશું પણ થઈ શકે એમ મને એક પણ રીતની સૂઝ પડી નહિ. અહીંથી જ્યોતીન્દ્રની સલાહ પ્રમાણે ચાલ્યો જાઉં તો મિત્રને છોડી ગયાનો દોષ લાગે; અહીં રહીને ઓરડાની બહાર એક ઝાડની ડાળી ઉપર બેસી નાની જાળી દ્વારા અંધકારમાં હું કશું કરી શકું એમ મને લાગ્યું નહિ. ગૂંચવણમાં થોડીક ક્ષણ હું બેસી રહ્યો. અંદર શાંતિ હતી; જ્યોતીન્દ્ર અગર બીજા કોઈનો કશો બોલ આવતો નહોતો, તેમ જ કોઈનો પગનો પણ અવાજ થતો નહોતો. કુંજલતાની માફક જ્યોતીન્દ્રને પણ બોલતો બંધ કરી દીધો હશે તો ? મારું હ્રદય ધડક ધડક થવા લાગ્યું. એ મિત્ર જતાં મારે કોઈનો જ આશ્રય રહેશે નહિ એ હું જાણતો હતો. મિત્ર વગરના થવું એ શું તે હું અત્યારે સમજ્યો. મને થયું કે પોલીસ મને ભલે પકડે પણ હું તો તેમની પાસે જઈ આ ભેદી ઘરની અને જ્યોતીન્દ્રના અંદર પુરાયાની હકીકત બધી જાહેર કરી દઉં.

જાળી ઉપરથી મેં હાથ ખસેડ્યો અને ડાળીથી નીચે ઊતરતાં મેં જરા પગ લંબાવ્યો એવામાં ઓરડામાંથી જ્યોતીન્દ્રનો કડક, મેં કદી નહિ સાંભળેલો એવો સત્તાદર્શક અવાજ મારે કાને આવ્યો :

‘બસ. એટલે જ દૂર રહો !’

તેના જવાબમાં ત્રણ ચાર માણસોના હાસ્ય સરખો અવાજ મને સંભળાયો.

'હસવાની હરકત નથી; એ આનંદ હું તમને લેવા દઉં છું. પરંતુ મારા આગળ ન આવશો.' જ્યોતીન્દ્ર ફરી બોલ્યા. ફરી બે માણસો તિરસ્કારભર્યું હસતા હોય એમ લાગ્યું. તેમના હાસ્યની વચમાં જ એક જણ બોલ્યો :

'તું અમને હસવાની પરવાનગી આપે છે, એમ ?’

'અલબત્ત ! હું જો તમને હસવા ન દઉં તો તમારે આ ઘડી રડવું પડશે.’ જ્યોતીન્દ્રે કહ્યું.

‘જા, જા હવે; પોલીસની જાસૂસી કરી ખા !’

'હવે તો તે પણ ક્યાં ? અહીંથી જીવતો છૂટશે ત્યારે ને ?’ એટલું બોલતાં પાછા બધા હસવા લાગ્યા.

'જિવાડવાનું કે મારવાનું તમારા હાથમાં છે શું ? બિચારાં મગતરાં !