પૃષ્ઠ:Bansari.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
જ્યોતીન્દ્રની છેલ્લી ક્ષણ

હતું મૃત્યુ મીઠું
રુદન વળી વહાલું ક્યમ થયું ?,
હશે શું નિર્માયું ?
રુદન કરવું બાલક સમું ?
કલાપી

બહારથી પોલીસના માણસો આવ્યા. તેમાંથી કેટલાકે ફાનસો સળગાવ્યાં. મને બત્તીથી ઓળખનાર હિંમતસિંગ હતો. આ કડક અમલદાર ફરીથી શા માટે મારી પાછળ પડ્યો હતો તે મને સમજાયું નહિ.

અંદરથી જ્યોતીન્દ્રે કહ્યું :

‘મારું કહેવું તેં સાંભળ્યું નહિ, અને તું અહીંનો અહીં જ બેસી રહ્યો, ખરું ? હવે પોલીસને તાબે થયા વગર તારો છૂટૂકો નથી.’

મને પાછો જ્યોતીન્દ્રને માટે શક ઉત્પન્ન થયો. મારી પાછળ પોલીસને એણે જ બોલાવી હશે કે શું ? મેં તેને સ્પષ્ટતાથી પૂછ્યું :

‘એટલે તેં જ પોલીસ મારી પાછળ મોકલી હતી કે શું ?’

તે મને જવાબ આપે તે પહેલાં તો ચારપાંચ માણસો તેની આસપાસ વીંટાઈ વળ્યા, અને તેને પકડી લીધો. કર્મયોગી દૂર રહ્યો રહ્યો. આ બનાવ જોયા કરતો હતો.

‘ક્યાં છે તારી પિસ્તોલ ?’ એક જણે પૂછ્યું.

‘આ રહી.’ જ્યોતીન્દ્ર પોતાના બંને હાથ એ બધાની પકડમાંથી છોડાવી આગળ ધર્યા, અને ત્રણ ચાર માણસોને હાથના બળ વડે ગુલાંટ ખવરાવી દીધી.

મેં બૂમ મારી :

‘એની પિસ્તોલ ગમે ત્યાં હશે, પણ મારી તો આ રહી ! જ્યોતીન્દ્રની સામે થશે તે જીવના જોખમમાં છે એમ જરૂર માનજો !’ પણ હું ભૂલી ગયો કે પોલીસ મને પકડવાની તૈયારીમાં પડી છે. મેં ઉપર પ્રમાણે કહ્યું. એટલે હિંમતસિંગ નીચેથી બોલી ઊઠ્યા :