પૃષ્ઠ:Bansari.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦: બંસરી
 


પરંતુ હુકમને તાબે થવાને ટેવાયલા પોલીસના માણસોને કંઈ પણ જોવાની કે સાંભળવાની જરૂર લાગી નહિ. જ્યોતીન્દ્રે કહ્યું :

‘ચપ્પુ હશે તોપણ ચાલશે.’

મને લાગ્યું કે જ્યોતીન્દ્ર આપઘાત કરવા ધારે છે કે શું ? આવી સ્થિતિમાં મન નિર્બળ બને એ અશક્ય નહોતું. પરંતુ મારી પાસે ચપ્પુ પણ નહોતું. મેં કહ્યું :

‘મારી પાસે તો કાંઈ જ નથી.’

‘હશે. બચાવનું છેલ્લું સાધન કરી જોવું હતું.' આટલું જ માત્ર બોલી જ્યોતીન્દ્ર શાંત પડ્યો. તેનું માથું હવે બેઠે બેઠે છતને બરાબર અડકતું હતું, દસેક મિનિટમાં તે કચરાઈ જશે એવી મને ખાતરી થઈ ગઈ, અને કોઈ વિચિત્ર ઘેલછાનું બળ મારામાં પ્રગટી નીકળ્યું. એક પ્રબળ ઝટકો મારી મેં પેલા મજબૂત સિપાઈના હાથમાંથી મારો હાથ છોડવ્યો અને તેની કમરે લટકતા સંગીનને ઝડપથી મેં ખેંચી કાઢ્યું. પાસેની ડાળ ઉપર બેઠેલા બીજા પોલીસની છાતી સામે સંગીન ધરી તેને એક ક્ષણભરમાં ડરાવી તેનું પણ સંગીન બહાર કાઢી લીધું અને જાળીમાંથી મહામુસીબતે બે સંગીન અંદર ફેંક્યાં. જ્યોતીન્દ્રનું મસ્તક છતને હવે વધારે અડતું હોવાથી તે જરા આડો પડી સૂતો હતો. સંગીનનો અવાજ સાંભળી તેણે પાસું ફેરવ્યું. પરંતુ પોલીસના માણસોએ મને પાછળથી એવો બળપૂર્વક ઝંઝેડ્યો કે મેં મારું સમતોલપણું ખોઈ નાખ્યું, અને જાળી ઉપરથી હાથ ખસતાં ડાળી ઉપરથી હું નીચે પડ્યો !