પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૧૫
લોઢું અને હથોડો


“લોઢું ગરમ થાય છે ત્યારે લાલચેળ થાય છે, અને તણખા ઊડે છે. સરકારમાંથી આજે તણખા ઊડી રહ્યા છે, પણ લોઢું ગમે તેટલું લાલ થાય તોયે હથોડો ગરમ નથી થતો. આપણે લોઢાનો ઈચ્છાપૂર્વક ઘાટ ઘડવો હોય તો હથોડાને ગરમ થવું ન પાલવે. ગમે તેવી આપત્તિમાં ગરમ ન જ થઈએ.”


બારડોલીમાં હવે લોઢું ને હથોડાની હરીફાઈ ચાલી રહી છે. સરકારી આડતિયાઓની બેદરકારી, અને બેકાયદાપણાનો દોર ચાલી રહ્યો છે. ‘લડતમાં થોડી જ નીતિ હોય ?’ એ સરકારનો ન્યાય છે, જ્યારે શ્રી. વલ્લભભાઈ બારડોલી સત્યાગ્રહીઓને કહી રહ્યા છે : ‘લડતમાં વધારેમાં વધારે નીતિ પ્રગટ કરો.’

એ જુહાકી દોર એટલો ઝપાટાબંધ ચાલી રહ્યો છે કે ઘડી ઉપર આવેલી ખબર બીજી ઘડીએ વાસી થાય છે. વાલોડના પીઠાવાળા એક બહાદુર પારસી સજ્જનને આ પ્રકરણમાં સરકારે યોગ્ય ખ્યાતિ આપી દીધી છે, સરકારી અમલદારોએ સરકારને ભૂંડી ખ્યાતિ આપી છે. આ દુકાનદારને ત્યાં ડેપ્યુટી કલેક્ટરના હોદ્દાનો અમલદાર આબકારી અમલદારને લઈ ગયો, તેમનાં દારૂનાં પીપો જપ્ત કર્યાં, પણ તે ઉઠાવવાં અઘરાં લાગ્યાં એટલે તેમની દુકાને તાળું મારીને, સિપાઈ બેસાડીને, કૂચ કરી ગયો. દોરાબજી શેઠે પેલાને સખત કાગળ લખી જણાવ્યું કે દુકાન બંધ થવાથી તેમને જે ખોટ જશે તે માટે ડેપ્યુટી કલેક્ટર જવાબદાર ગણાશે, અને પોતાની દુકાનમાં જપ્ત કરેલાં પીપો માટે તે રોજનું પાંચ રૂપિયા ભાડું માગી શકશે તે જુદું. વળી તેમણે એ પણ

૧૧૦