પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 પોતાનાં પશુઓને બાળકોનાં જેટલાં પ્યારાં માનનારા ખેડૂતોથી આ બધું સાંખી શકાય એમ નહોતું. ગમે તેમ થાય તોપણ ભેંસોને આવી રીતે રિબાવા ન દેવી એ નિશ્ચયથી આખા તાલુકાએ કારાગ્રહ બનવાનો નિર્ણય કર્યો. રાતદિવસ બારણાં બંધ, ઘરમાં માણસો અને ઢોરો સદંતર કેદ, ઢોરને માટે પાણી પણ ઘેર લાવીને પાવામાં આવે. જેમનાં સગાંવહાલાં ગાયકવાડીમાં હતાં તેમણે ગાયકવાડીમાં પોતાનાં ઢોર મોકલ્યાં, છોકરાંને દૂધ છાશ પીતાં બંધ કર્યાં. પણ બધાં ઢોર કાંઈ એમ મોકલી શકાય ? એટલે સૌએ કારાગ્રહવાસ પસંદ કર્યો, જપ્તીદારોની જુહાકી આગળ ખાતેદાર બિનખાતેદાર સરખા હતા, માલિક બિનમાલિક સરખા હતા, ઘરમાં પુરુષ હોય કે ન હોય તે પણ તેમને સરખું હતું !

એક ગરીબ દરજીની ત્રણ ભેંસો પકડવામાં આવી હતી. તે ખાતેદાર નહોતો. સવારના પહોરમાં ઊઠીને જુએ તો ભેંસો ન મળે. બે દિવસ પછી તેને ખબર પડી કે વાલોડ થાણામાં એ ભેંસોને બીજી ભેંસો સાથે ગોંધવામાં આવી હતી. મહાલકરીની પાસે તે ભેંસો છોડાવવા ગયો. મહાલકરી કહે : ‘તમારી ભેંસોને બે દિવસ માટે રાખવી પડી છે, અને ઘાસચારો કરવો પડ્યો છે, એનો ખરચ આપો અને ભેંસો છોડાવી લઈ જાઓ.’

પેલો કહે : ‘આ તો ઊલટો ન્યાય, તમે મને નુકસાનીનો બદલો આપો કે ઊલટો મને દંડો ?’

પેલાએ ન સાંભળ્યું. દરજીએ કહ્યું : ‘વારુ સાહેબ, પેલા ધોળી ટોપીવાળા સ્વયંસેવકને પૂછીને આપને જણાવીશ કે શું કરવું.’ મહાલકરીસાહેબ પસ્તાયા; અને પેલાને ભેંસ છોડી જવા દીધી. આ તો ઘણામાંનો એક દાખલો.

આ રહ્યો બીજો નમૂનો. મોટાની સતામણી સહેજે થાય નહિ એટલે ગરીબો રંજાડવાનો રસ્તો કેટલેક ઠેકાણે પસંદ કરવામાં આવતો હતો. એક કુંભારનું ઘર ખુલ્લું જોઈ મહાલકરી એકદમ પેઠા, ઘરના રાચરચીલામાંથી કેટલીક ચીજો ઉપાડવાનો હુકમ આપ્યો. ઘરધણિયાણી પ્રેમીને આ લીલાનું રહસ્ય

૧૨૦