પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ
 

આપવું કે જેને ભરવા જવું હોય તેમને કોઈ મારતું નથી કે તેમની સાથે કોઈ વેર બાંધતું નથી.”

મોતાનો કિસ્સો શોચનીય હતો. જે માણસોએ પૈસા ભરી દીધા તેમણે જ ગામના તરફથી બાંહેધરી આપી હતી. પણ એ લોકો શ્રી. વલ્લભભાઈના શબ્દોમાં બે ઘોડે ચડનારા હતા, તેમને લોકોને પણ ખુશ રાખવા હતા અને સરકારી અમલદારોની પણ ખુશામદ કરવી હતી. મોતાના કિસ્સા વિષે બોલતાં શ્રી. વલ્લભભાઈ બોલ્યા :

“તમે આ અમલદારના ભમાવ્યા ચાળે ચડી ભરવા જશો તો એમની મહોબત તમને મુસીબતમાં નાંખશે, ને તમારા ઘરમાં ઝગડા જાગશે. ફોજદારસાહેબ મોતામાં બે દેશાઈઓએ એમની દોસ્તી કરેલી તેમની પાસેથી પૈસા ભરાવી આવ્યા. જેણે ઊભા થઈને ગામ વતી ખાતરી આપેલી ને પ્રતિજ્ઞા પર સહી કરેલી તે દેશાઈઓ આજે ભોંઠપથી ચોધારાં આંસુ પાડે છે. ઘરમાં દીકરાએ એને ત્રણ દિવસથી આની ગંધ આવવા લાગી ત્યારથી ઉપવાસ કર્યા છે. શરમના માર્યા બહાર નીકળાતું નથી, અને એણે માફીનો કાગળ મારા ઉપર મોકલ્યો છે. એમને ભય બતાવ્યો હશે કે દેશાઈગીરી જશે. દેશાઈગીરી રહી પણ આબરૂ તો ગઈ. ફોજદારસાહેબ શી ધાડ મારી આવ્યા ? કાનખજૂરાના બે પગ તૂટ્યા તોય શું ને રહ્યા તોય શું ? લશ્કર લડવા નીકળે છે તેમાં થોડાઘણાં કપાયા વિના રહે છે ? કોઈ વળી મૂઠી વાળીને નાસી જનાર ને મોં કાળું કરી લેનાર પણ નીકળે છે. તેથી શું ? મોતા ગામના આગેવાનોએ તો પેલાને કહ્યું, શું કામ રડો છો ? મને પણ આવીને કહી ગયા, ભલે એણે ભર્યા, કોઈ એમને નહિ કનડે, અમે એને રક્ષણ દેશું.”

પણ લોકોને આવા કાનખજૂરાના થોડા પગ તૂટે તેના ડર રહ્યો નહોતો. ભેંસોના ઉપર ગુજરતો ત્રાસ સાલતો હતો ખરો, અને ઉકળતા તાપમાં બારણાં ઢાંકીને ભરાઈ રહેવું તે કોને ગમે ? આ લોકોને રીઝવીને, હસાવીને, લડાઈમાં અડગ રાખનાર શ્રી. વલ્લભભાઈની તોલે આવે એવા લડવૈયા વિરલ છે. કોઈ ઠેકાણે કહે છે : ‘તમારા જપ્તીદાર બ્રાહ્મણ છે. ચાર વાગે ઊઠીને પ્રભુસ્મરણ કરવા કે પ્રભાતિયાં બોલવાને બદલે આજકાલ ભેંસોનું સ્મરણ કરે છે.’ આ જપ્તીદારથી કોણ ડરે, અને એને કોણ ગણકારે ? બીજે ઠેકાણે કહે છે : ‘વાલોડના થાણામાં એક જણ

૧૩૨