પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 તે લોકોની આંખમાં ધૂળ નાંખવા માગે છે. કારણ મૂળ મુદ્દો એ નથી કે અમુક ગામ યોગ્ય વર્ગમાં મુકાયેલું છે કે નહિ. મૂળ મુદ્દો તો એ છે કે મહેસૂલ જે રીતે વધારવામાં આવ્યું છે, તે રીત તદ્દન અયોગ્ય છે. અને બારડોલીના લોકો એવો આગ્રહ નથી કરતા કે તેમનો મુદ્દો સ્વીકારવામાં આવે. તેમનો આગ્રહ તો એટલો જ છે કે તેમની ફરિયાદ કેટલી સાચી છે તે તપાસ કરવાને માટે એક સ્વતંત્ર અને નિષ્પક્ષ પંચ નીમવામાં આવે, અને પંચનો ગમે તે ઠરાવ હોય તેનો અમલ કરવામાં આવે. આમાં મહેસૂલ ન આપવાની વાત જ ક્યાં છે ? અમુક ખેડૂતો કે અમુક ગામોને દાદ મળવાની વાત જ ક્યાં છે ? આખો પ્રશ્ન જ સિદ્ધાન્તનો છે. યોગ્ય તપાસ વિના મહેસૂલ વધારવાના સરકારના હકનો બારડોલીના લોકો ઇનકાર કરે છે. આની સાથે હું એ પણ જણાવું કે આ લડત સ્વરાજ્ય મેળવવાને માટે યોજાયેલી કર ન ભરવાની લડત નથી. આ લડત તો એક આખા તાલુકાના લોકોની ચોકસ ફરિયાદની દાદ મેળવવા માટે જ છે.

એટલે કમિશનરના પત્રનાં નીચેનાં વાક્યોમાં ઉદ્ધતાઈની પરાકાષ્ટા અને હડહડતું જૂઠ્ઠાણું ભરેલાં છે:

‘જે ચળવળિયાઓનું ટોળું ગરીબ ખેડૂતો ઉપર જીવે છે અને તેમને ખોટે રસ્તે ચડાવે છે તેમનાથી એ બાપડાઓનું સત્યાનાશ ન વળે તે વિષે મારા કરતાં વધારે ચિંતા બીજાં કોઈને નહિ હશે. . . . . . . ખેડા જિલ્લાના પાંચ તાલુકાઓમાંથી આ ચળવળિયા આવે છે. એ તાલુકામાં રેલને લીધે બે વરસ સુધી મહેસૂલમાં ફેરફાર કરવાનું મુલતવી રાખવામાં આવ્યું છે. છેલ્લા સાતઆઠ મહિનામાં સરકારે ખેડા જિલ્લામાં પ્રલયસંકટનિવારણને માટે લગભગ અડધો કરોડ રૂપિયા આપ્યા છે. જો આ ચળવળિયાઓ બારડોલીમાં ફાવી જાય તો ખેડા જિલ્લામાં જમીનમહેસૂલ અને તગાવી વસૂલ થવાના સાંસા પડે.’

સરકારને હું ખાતરી આપું છું કે જો ‘ચળવળિયાઓ’ ફાવશે તો તગાવી વસૂલ થવામાં તો કશી મુશ્કેલી ન આવે. જો એ લેનારાઓ ન ભરે તો તે વસૂલ કરવા માટે ‘ચળવળિયાઓ’ના સરદાર વલ્લભભાઈ પટેલ તેમને વગરપગારના કલેક્ટર મળી રહેશે. પણ સાચી વાત તો એ છે કે જો ‘ચળવળિયાઓ’ ફાવશે તો ઉત્તર વિભાગના કમિશનરે લોકોના માનવંતા સેવકોનું અપમાન કરવાની અને જૂઠાણાં બોલવાની હિંમત ધરી છે તેવી હિંમત સરકારી અમલદારો નહિ ધરશે, અને બારડોલીના વધારા જેવા ભયંકર, અયોગ્ય અને અન્યાયી વધારા સામે લોકોને કંઈક દાદ મળશે.

૧૪૨