પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 હતી. હવે રેવન્યુ મેમ્બરના કહેવાથી તા. ૫ મીએ તેઓ કમિશનર મિ. સ્માર્ટને મળ્યા, પણ તેમની પાસેથી કશું નવું ન પામ્યા. જે વાત કમિશનરે શ્રી. વલ્લભભાઈને લડતની શરૂઆતમાં કરી હતી તે જ વાત તેમણે રા. બ. ભીમભાઈને કરી: ‘વધારા સાથે સરકારધારો ભરી દો તો થોડાં ગામમાં અન્યાય થયેલો હોય તેની તપાસ કરશું.’ આ પછી તેમણે ધારાસભાના બીજા ગુજરાતના સભ્યો અને પોતા તરફથી ના. ગવર્નરને કાગળ લખ્યો, તેના મંત્રી તરફથી અનેક ઉડાઉ અને ઉદ્ધત જવાબો આવ્યા.

આ પત્રવ્યવહારનો સાર સરકારની ઉદ્ધતાઈ અને દાનત બતાવવાપૂરતો આપવાની જરૂર રહે છે.

પોતાના કાગળમાં ધારાસભાના સભ્યોએ સરકારને ‘ઉદ્ધત’ કહી હતી, તે માટે સરકારે તેમના કાગળને ધ્યાનમાં લેવાની પણ ના પાડી. ધારાસભાના એ ભલા સભ્યોએ દિલગીરીનો પત્ર લખ્યો અને ‘ઉદ્ધત’ શબ્દ કાઢી નાંખ્યો, ત્યારે તેમને આ મતલબનો જવાબ મોકલ્યો: ‘અમને કશું કહેવાનું નથી. થોડાં ગામના વર્ગ ચડાવેલા હતા તે ઉતાર્યા, હવે અન્યાય શો રહ્યો ? બારડોલી તાલુકાના ખેડૂતોના પાકમાં ૨૦ ટકા વધારો થયો છે, એટલે ૨૦ ટકા વધારો મહેસૂલમાં થવો જોઈએ. વળી તમે ધારાસભાના મતની વાત તો ભૂલી જ જતા લાગો છો ! ૪૪ વિરુદ્ધ ૩પ મતથી બારડોલી ઉપર તમે હારી ગયા તે વસ્તુ શું બતાવે છે !’

ધારાસભાના સભ્યો કાંઈ નમ્રતામાં પાછા હઠે એમ નહોતું. તેમણે પાછી વિનંતિ કરી વળી લખ્યું: ‘તમે સરકારી અમલદાર તરફથી તપાસ થાય એવી અમારી મોળી માગણી પણ ન સ્વીકારી એ આશ્ચર્ય છે, અમારે રાજીનામું આપવું જ જોઈએ.’ એટલે ગવર્નરના ખાનગી મંત્રી તેમને બનાવે છે અને લખે છે : ‘ભલા માણસ, સરકારી અમલદાર મારફત તપાસની પણ ના પાડવાનું તમે લખો છો એ ખોટી વાત છે !’ ભલા સભ્યોને લાગે છે કે હવે તો બારી ખૂલી, એટલે તરત લખે છે :- ‘આપ સરકારી અમલદાર મારફતે તપાસ કરાવવા ખુશી છો જાણીને અમને આનંદ થાય છે. જો એટલું આપ કરો તો અમે તો વલ્લભભાઈ

૧૪૮