પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯ મું
ગવાઈ રહેલું બારડોલી
 


પાસે એવી તપાસ પણ સ્વીકારાવીએ.’ એટલે પેલો ખંધો મંત્રી જવાબ આપે છે : 'અરે, રામરામ ભજો, કોણે એવી તપાસ કમિટી નીમવાનું વચન આપ્યું ? એવી સમજ તમારી થઈ હોય તો તમારી ભૂલ છે.'

ઉદ્ધતાઈની કમાલના આ નમૂના પછી ધારાસભાના સભ્ય રાજીનામું આપવામાં કશું દુ:ખ ન માને એમાં કાંઈ આશ્ચર્ય છે ! રાજીનામાના પત્ર ઉપર શ્રી. દાદુભાઈ દેસાઈ અને શ્રી , જીવાભાઈ પટેલ ( ખેડાના સભ્ય ), શ્રી. જેઠાલાલ સ્વામીનારાયણ (અમદાવાદના સભ્ય), શ્રી. વામનરાવ મુકાદમ (પંચમહાલના સભ્ય ) : શ્રી. ભીમભાઈ નાયક અને શિવદાસાની ( સુરત જિલ્લાના સભ્ય ), અને શ્રી. દીક્ષિત ( સુરત શહેરના સભ્ય ), આ સાત સજ્જનોની સહી હતી. આ પત્રમાં તેમણે જણાવ્યું હતું :

“જ્યારે કોઈ સરકારે પોતાની જવાબદારીનું ભાન ભૂલી કાયદાનો ગંભીર ભંગ કરે છે, અને બારડોલીના લોકો જેવા ઉત્તમ અને નરમ લોકોને છુંદવાનો પ્રયત્ન કરે છે, ત્યારે સરકારની મનસ્વી નીતિની સામે વિરોધ તરીકે - ધારાસભામાં અમારાં સ્થાનના રાજીનામાં આપવાની અમારી ફરજ લાગે છે.”

આના થોડા દિવસ પછી શ્રી. અમૃતલાલ શેઠ અને શ્રી. હરિભાઈ અમીનનાં રાજીનામાં પણ ગયાં.

સરદાર મહાસમિતિને ટાંકણે મુંબઈમાં હતા. કાર્યવાહક સમિતિના સૌ સભ્યોએ તેમને ખૂબ આવકાર આપ્યો. જો સરદારે ઈચ્છ્યું હોત તો બધાંને બારડોલી ખેંચી લઈ જઈ શકત, પણ કોઈને આગ્રહ ન કર્યો. પંડિત મોતીલાલજીએ તેમને વિનોદમાં કહ્યું : ‘તમારી સ્વતંત્રતાનો વીમો ઉતારવાને કોઈ તૈયાર થાય તો કેટલું પ્રિમિયમ લે ?’ સૈાને લાગતું હતું કે સરદાર તુરતમાં સરકારની જેલના મહેમાન થશે, ગાંધીજીને તેમનું સ્થાન લેવા જવું પડશે, અને બારડોલી તુરત અખિલ ભારતીય પ્રશ્ન થઈ પડશે. પણ શ્રી. વલ્લભભાઈએ તો ન કોઈને આવવાનો આગ્રહ કર્યો, ન કોઈને સૂચના સરખી કરી. સરકારને બારડોલીના મુદ્દાનો અવળો અર્થ કરવાની તક મળે એ શ્રી. વલ્લભભાઈ કોઈ કાળે થવા દે એમ નહોતું.

૧૪૯