પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦ મું
ગાજવીજ
 

પણ આટલી ‘નજીવી’ શરત સ્વીકારશે એમ માની લીધું. એ જ સાહેબે સમાધાનની ઓછામાં ઓછી શરતની વાત શરૂ કરી, અને તેમ કરી સરદારને સત્યાગ્રહીઓની ઓછામાં ઓછી શરતની વાત કરવાને ઉશ્કેર્યા. દીવાન બહાદુર અને સરદારની વચ્ચેનો કિસ્સો દુ:ખદ છે, પણ દીવાન બહાદુર છાપે ચડ્યા, વલ્લભભાઈને વગોવવાના પ્રયત્ન કર્યા એટલે વલ્લભભાઈ એ નછૂટકે કેટલાક કાગળો પ્રસિદ્ધ કરવાની મને પરવાનગી આપી છે. આ રહ્યો તેમનો પહેલો કાગળ (અંગ્રેજીનું ગુજરાતી ભાષાન્તર) :

મહાબલેશ્વર, વેલી વ્યુ, તા. ૨૫-૫-’૨૮.
 

પ્રિય વલ્લભભાઈ,

હું તો મારો પાસો નાંખી ચૂક્યો છું, અને એની અસર થઈ હોય એમ જણાય છે. સોમવારે મારો તાર મળે તો મહાબલેશ્વર પહોંચી જવાની તમારે તૈયારી રાખવી.

લોકો પહેલા પૈસા ભરી દે તો સરકાર એક સ્વતંત્ર અમલદારને નવી જમાબંધીની ફરી તપાસ કરવાને માટે નીમશે એવું સરકાર જાહેર કરે તો લોકો વિરોધ સાથે પૈસા ભરી દેશે ખરા ? આટલી તો એાછામાં ઓછી શરત હોય એમ લાગે છે. વેચેલી અથવા ખાલસા કરેલી જમીન પાછી આપવામાં આવે એવી તજવીજ હું કરવાનો છું. હું તો પ્રયત્ન કરીશ, પણ તમને આ વસ્તુ ગમતી હોય તો તારથી ‘હા’ લખી જણાવો અને ટપાલથી પણ જવાબ આપો. જોજો બહુ ખેંચશો નહિ.

અહીં બેઠા છતાં હું તમારી સાથે જ છું.

લિ૦ સ્નેહાધીન,
હરિલાલ દેસાઈ.
 


[‘પહેલા’ શબ્દની નીચે કાગળ લખનારે જ ભારસૂચક લીટી કરી છે. ]

‘ઓછામાં ઓછી શરત’ની સરકારની માગણીને દીવાન બહાદુરે ટપેરી આપી એમ કહેવામાં કદાચ ભૂલ થતી હોય, કારણ આ પછીના ઘણા કાગળોમાં એ શરત એમની પોતાની હોય એવો જ એમણે ભાસ આપ્યો, અને એ શરત તદ્દન યોગ્ય અને વાજબી છે એમ કહીને તેનો ખાસ બચાવ કર્યો. આથી તો દીવાન બહાદુરની સ્થિતિ ઊલટી ખરાબ થાય છે, કારણ મૂળ એ સૂચના જ એમની હોય તો સરકાર તો સ્વાભાવિક રીતે, શ્રી. વલ્લભભાઈના મિત્ર પાસેથી આવનારી એ સૂચનાને

૧૬૧