પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦ મું
ગાજવીજ
 


સત્યાગ્રહીઓનું દુ:ખ નિવારણ કરવાનો અધિકાર સીધી રીતે હિંદી સરકારના હાથમાં હોત તો હું નામદાર વાઇસરૉયની પોતાની કુમક મારા હકની રૂએ માગત, અથવા તેમની સમિતિના જે સભ્યની હકૂમતમાં આ સવાલ આવત તેમની કુમક માગત, અને તેમને આ બાબતમાં લેાકપક્ષના હિમાયતી તરીકે તેમાં પડવાને વિનવત. કેમકે ગયે વર્ષે પ્રલય થયો ત્યારે આવી રૂઢિ દાખલ કરવામાં આવી હતી. ગુજરાતનો હું પ્રતિનિધિ હતો, પણ હું પોતે વડી ધારાસભામાં પ્રમુખ હોઈ મારું મોં બંધ થયું હતું. તેથી મારી વિનંતિને ધ્યાનમાં લઈને નામદાર વાઇસરૉયે પ્રલયવાળાં ક્ષેત્રની મુલાકાત લેવાની કૃપા કરી હતી, અને લોકો પ્રત્યે લાગણી બતાવી હતી, એટલું જ નહિ પણ આર્થિક મદદ પણ કરી હતી. બારડોલીની વાત કેવળ મુંબઈ સરકારના અધિકારમાં છે તેથી મજકૂર રૂઢિનો આશ્રય લઈ શકું તેમ નથી.

લડતના અભ્યાસ ઉપરથી મારી ખાતરી થઈ છે કે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસણી માગવાને સારુ બારડોલીના લોકોની પાસે સબળ કારણ છે. મારી એવી પણ ખાતરી થઈ છે કે પેતાના દુ:ખનું નિવારણ કરવાને સારુ લોકોએ કાયદેસર ગણાતા અને પોતાની શક્તિમાં રહેલા એવા બધા ઉપાયો લઈ લીધા છે. બારડોલીનાં સ્ત્રીપુરુષોની હિંમત, તેમની ધીરજ અને તેમની દુ:ખ સહન કરવાની શક્તિ જોઈને હું સાનંદાશ્ચર્ચ પામ્યો છું. પણ જે મહેસૂલ પોતાની વચ્ચે ને લોકોની વચ્ચે તકરારનું કારણ થઈ પડ્યું છે તે જ મહેસૂલ વસૂલ કરવાને સારુ સરકારે જે અઘટિત દબાણ કર્યું છે તે જોઈ ને મને દુ:ખ થયું છે, અને રોષ પણ આવ્યો છે. હું માનું છું કે સરકારે અખત્યાર કરેલો માર્ગ કેટલીકવેળા કાયદાની, વ્યવસ્થાની અને વિવેકની હદ ઓળંગી ગયો છે. ગુજરાતના કમિશનરના ઉદ્ધત કાગળે બળતામાં ઘી હોમ્યું છે.

આ સ્થિતિમાં મારાથી મૂંગા રહેવાય તેમ નથી. નથી હું ઉદાસીનપણે વર્તી શકતો. તેથી હું તમને જે આર્થિક મદદ તમે માગી છે તેમાં એક હજાર રૂપિયાની નાનકડી રકમ આ સાથે મોકલું છું. પણ મને દુ:ખ તો એ થાય છે કે લોકો પ્રત્યે લાગણી બતાવવા સારુ અને સરકારની જુલમગાર નીતિ પ્રત્યે તથા ગુજરાતના કમિશનરના કાગળ પ્રત્યે મારો સખત અણગમો બતાવવા સારુ હું આ હૂંડી મોકલવા ઉપરાંત આ વખતે કંઈ વધારે કરી શકતો નથી. જ્યાં સુધી લડત ચાલશે ત્યાં સુધી પ્રતિમાસ એક હજાર રૂપિયા તો હું તમને મોકલતો રહીશ. પણ આટલી વધારે ખાતરી તો હું તમને આપી દઉં. જેમણે મને આ મોટું પદ આપ્યું છે તેમની સાથે મસલત કરવાની વહેલામાં વહેલી તક મેળવી લઈશ. જે અધિકારનું માન

૧૬૭