પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬ મું
વિષ્ટિકારો
 


શ્રી. વલ્લભભાઈ — આપના કહેવા પ્રમાણે બારડોલીના લોકો પર જીવનાર ચળવળિયો — ન હોત તો ત્યાંની ત્યાં જ રહી હોત. ગાર્ડા, જેને હજારોની કિંમતની જમીન માત્ર નામના મૂલ્યે વેચી દેવામાં આવી છે તેને એના ઘર માટે ઝાડુ કાઢનારો ભંગી પણ મળતો નથી. કલેક્ટરને રેલ્વે સ્ટેશન પર એક વાહન મળતું નથી, સિવાય કે શ્રી. વલ્લભભાઈ તેની પરવાનગી આપે. મેં જે થોડાં ગામડાંની મુલાકાત લીધી તેમાં એક પુરુષ કે એક સ્ત્રી મને એવી ન મળી કે જે પોતે પસંદ કરેલા વલણ માટે દિલગીર હોય, યા તો પોતે સ્વીકારેલા ધર્મમાર્ગમાં ડગુમગુ હોય. શ્રી. વલ્લભભાઈ એક ગામથી બીજે ગામ પસાર થતા ગયા તેમતેમ મેં જોયું કે ગામેગામ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સ્વયંસ્ફુરણાથી તેમને વધાવવા દોડી આવતાં હતાં. અભણ સ્ત્રીઓ, વૃદ્ધ અને જુવાન, પેાતાનાં ફાટ્યાંતૂટ્યાં કપડાં પહેરી તેમને કપાળે અક્ષતકુંકુમ લગાડતી હતી, અને મહામહેનતે મેળવેલા પોતાના એકાદ બે રૂપિયા પોતાના તાલુકાના ધર્મયુદ્ધને ખાતર એમના ચરણે ભેટ ધરતી હતી; અને એમના ગામડિયા ઢાળ અને ઉચ્ચારમાં ‘ડગલે ડગલે તારા અન્યાય છે’ એવાં પરદેશી સરકારનાં ગીતો ગાતી હતી. આ બધું જોઈને મારે મારા મનમાં કબૂલ કરવું પડ્યું કે સરકારી રિપોર્ટોમાં જે એમ જણાવવામાં આવ્યું છે કે આ ચળવળ તે ઊભી કરેલી બનાવટી ચળવળ છે અને લોકો પર એમની મરજી વિરુદ્ધ ઠસાવવામાં આવી છે એ નરમમાં નરમ શબ્દોમાં કહું તો સાવ ખોટું છે. લોકોને થથરાવી નાંખવાના આપની સરકારના પ્રયત્નની લોકો ઠેકડી કરે છે. એમણે હિમ્મતપૂર્વક સહન કર્યું છે અને હજી સહન કરવા તૈયાર છે. વધારેમાં વધારે સભ્ય રીતે બોલાવવો હોય ત્યારે મિ. સ્માર્ટને લોકો ‘ભેંસડિયો વાઘ’ કહે છે અને જપ્તીઅમલદારને ‘છોટા કમિશનર’ કહે છે. આપના સાહસિક અને મહત્ત્વાકાંક્ષી ડેપ્યુટી કલેક્ટરનું એમણે જે નરમમાં નરમ નામ પાડ્યું છે તે પત્રમાં લખવાની હું હિંમત કરતો નથી. સરકારના સ્વાર્થની દૃષ્ટિએ પણ એ ડેપ્યુટી કલેક્ટર જેટલા ઉત્સાહી છે એટલા શાણા થાય તો સારું એમ હું ઇચ્છું છું. આ બધું હું એવી આશાથી લખું છું કે મારા જેવાના અંગત અનુભવો જાણીને આપ નામદારની અને આપની સરકારના હૃદયમાં કંઈ નહિ તો વસ્તુસ્થિતિની જાતતપાસ કરવાની ઇચ્છા જાગે. આવા જુસ્સાની અવગણના કરવાનો કે એને કચરી નાંખવાનો પ્રયત્ન કરવો એ બ્રિટિશ સરકાર માટે પણ ડહાપણભર્યું નથી. આવા મક્કમ નિશ્ચયવાળાં ૮૦,૦૦૦ સ્ત્રી, પુરુષો અને બાળકોને આપ ટુકડા રોટલા માટે રડવડતાં કરી શકો; આપને પસંદ હોય તો આપ એમને તોપે ચડાવી

૨૧૧