પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬ મું
વિષ્ટિકારો
 


મૂક્યું છે, અને તેથી ‘ધારાસભામાંથી મારી જગ્યાનું રાજીનામું આપીને મારા આખા પ્રાંતવ્યાપી મતદારમંડળને અપીલ કરી આ મુદ્દા ઉપર પોતાનો નિર્ણય જાહેર કરવાનું સૂચવવું એ જ જવાબ મારે આપવાનો રહે છે.’

આ પત્રથી પોતાના દેશજનો પ્રત્યે જેમનામાં સમભાવ હોય તે બધાનાં હૃદય હલમલી ઊઠ્યાં અને દેશના જાહેર પ્રશ્નોમાં બારડોલીનો પ્રશ્ન મોખરે આવ્યો. વળી શ્રી. મુનશી પોતાની જગ્યાનું રાજીનામું આપીને સંતોષ માની બેસી ન રહ્યા. લોકોને દબાવવાના જે ઉપાયો યોજવામાં આવ્યા હતા તેની કાયદાની દૃષ્ટિએ તપાસ કરવા તેમણે એક સમિતિ નીમી. એ સમિતિમાં તેઓ પોતે, મિ. હુસેનભાઈ લાલજી, એમ. એલ. સી., ડો. ગિલ્ડર, એમ. ડી., એફ. આર. સી. એસ., એમ. એલ. સી., રાવ બહાદુર ભીમભાઈ નાયક, એમ. એલ. સી., શ્રી. શિવદાસાની, એમ. એલ. સી., શ્રી. ચંદ્રચૂડ, એમ. એલ. સી., તથા શ્રી. બી. જી. ખેર, સોલિસિટર (મંત્રી) એટલા હતા. તેમણે સૂરત તથા મુંબઈથી સ્વયંસેવક તરીકે આવેલા વકીલ મારફત ૧૨૬ સાક્ષીઓ બારડોલીમાં તપાસ્યા. આ તપાસમાં મદદ કરવા સરકારને પણ તેમણે નોતરી પણ સરકારે આમંત્રણ ન સ્વીકાર્યું. તેને પરિણામે ન્યાયની અદાલતમાં એકતરફી કેસમાં તપાસનું જે અધૂરાપણું સ્વાભાવિક રીતે રહી જાય છે તે તેમની તપાસમાં પણ રહ્યું. પરંતુ પુષ્કળ પ્રમાણમાં મળેલા અને જેની સામે વાંધો ન ઉઠાવી શકાય એવા જ પુરાવાના આધાર ઉપર પોતાના નિર્ણયો બાંધવાની તેમણે ખાસ કાળજી રાખી. આ પુસ્તકના એક પરિશિષ્ટમાં એ સમિતિએ કરેલી તપાસના નિર્ણયો આપ્યા છે.

પોતાના પ્રખ્યાત પત્રમાં શ્રી. મુનશીએ એવી આશા દર્શાવી હતી કે આ પત્રથી “આપ નામદારમાં તથા આપની સરકારના મેમ્બરોમાં જાતે જઈને તપાસ કરવાની ઇચ્છા જાગૃત થાઓ.” ગવર્નરસાહેબને અથવા રેવન્યુ મેમ્બરને બારડોલી લાવવામાં આ પત્ર જોકે નિષ્ફળ નીવડવ્યો, તોપણ આખી લડત દરમ્યાન પહેલી જ વાર તાલુકાની મુલાકાત લેવાની સરકારે

૨૧૩