પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 

 છે. આ સ્થળે મરહૂમ મિ. બી. એફ. માદનનું નામ આપવું યોગ્ય ધારું છું. એમણે આ લડતને અંગે કરેલું કામ ભાગ્યે જ કોઈ જાણતું હશે, પણ આ લેખક જાણે છે. એમણે એક વિચક્ષણ આંકડાશાસ્ત્રી તરીકે શ્રી. જયકરના આંકડાની વ્યર્થતા એક સમર્થ નોંધમાં સિદ્ધ કરી આપી. જ્યારે બ્રૂમફીલ્ડ કમિટી આગળ અમે પુરાવા રજૂ કરતા હતા ત્યારે પેલા આંકડાની વ્યર્થતા સિદ્ધ કરવાને માટે અને ભાવોને વિષે જુબાની આપવાને માટે કમિટી આગળ રજૂ થવાની તેમણે તૈયારી બતાવી હતી.

આ બધાની વિષ્ટિથી સરકાર સમાધાન માટે કેટલી તૈયાર થઈ હશે એ કહેવું બહુ મુશ્કેલ છે. લોકો તો વિષ્ટિની વાતોથી મલકાતા નહોતા કે ગભરાતા પણ નહોતા. સરદારે તેમને અનેકવાર સંભળાવ્યું હતું :

“કેરીનું ફળ કવખતે તોડશો તો તે ખાટું લાગશે, દાંત અંબાઈ જશે, પણ તેને પાકવા દઈશું તો તે આપોઆપ તૂટી પડશે અને અમૃત સમું લાગશે. હજી સમાધાનીનો વખત આવ્યો નથી. સમાધાની ક્યારે થાય ? જ્યારે સરકારની મનોદશા બદલાય, જ્યારે તેનો હૃદયપલટો થાય, ત્યારે સમાધાની થાય, ત્યારે આપણને લાગે કે તેમાં કંઈ મીઠાશ હશે. હજી તો સરકાર ઝેરવેરથી તળેઉપર થઈ રહી છે.”

સ્નેહીઓને પણ તેમણે વારંવાર સંભળાયું હતું કે ઉતાવળ ન કરો, પ્રજામાં આટલું ચેતન આવ્યું છે તેના ઉપર પાણી ન રેડો.

પણ આ વિષ્ટિઓનું પ્રત્યક્ષ પરિણામ કંઈ આવ્યું હોય કે ન આવ્યું હોય એટલું તો ચોકસ છે કે સરકાર જે ચળવળને રાજદ્વારી ગણતી હતી, અને જેના નેતાને નોકરશાહીના કેટલાક સ્તંભો ‘વિપ્લવવાદી’ તરીકે નીંદતા હતા, તેવી ચળવળમાં પોતપોતાના ધીકતા ધંધામાં મશગૂલ એવા પ્રસિદ્ધ પુરુષોએ આટલો રસ લીધો એ દેશના રાજકીય જીવનમાં થયેલી અદ્દભુત પ્રગતિનું અચૂક ચિહ્ન હતું.