પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
નિષ્પક્ષ સાક્ષીઓ
“બારડોલીની લડતના પક્ષમાં આખી પ્રજાનો મત એકધારો જેવો વહ્યો છે તે પહેલાં કોઈ લડતમાં વહ્યો નહોતો.”

પોતપોતાના ધંધામાં મશગૂલ એવા મુંબઈના આગેવાનોએ બારડોલીની લડતમાં સક્રિય રસ લીધા એ એક નોંધવાલાયક વસ્તુ હતી જ, પણ તેના કરતાં પણ કદાચ વિશેષ નોંધવાલાયક વિનીત દલના ઉત્તમમાં ઉત્તમ પુરુષો આ લડતને ટેકો આપવામાં આગળ પડ્યા એ ગણાય. બેની પ્રવૃત્તિઓ વચ્ચે ભેદ દર્શાવવો હોય તો એમ કહી શકાય કે વિષ્ટિકારોએ જે રસ લીધો તે વિશેષ કરીને માનવદયાબુદ્ધિથી લીધો હતો, જ્યારે વિનીત વર્ગે જે રસ લીધો તે વિશેષે કરીને ન્યાયની દૃષ્ટિએ લીધો હતો. વિષ્ટિકારોનો હેતુ લડતને ટેકો આપવા કરતાં, સત્યાગ્રહીઓને તેમના ઉપર પડતાં કષ્ટોમાંથી અને પરિણામે વિનાશમાંથી ઉગારી લેવાનો વિશેષ કરીને હતો, જ્યારે વિનીતોએ તો લડતનો અભ્યાસ કરી લડતના ન્યાયીપણા વિષે પોતાની સાખ પૂરી, તેટલે અંશે સત્યાગ્રહીઓને ટેકો આપ્યો, અને પછી અળગા રહ્યા. આજકાલની રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં બારડોલીની લડત જ એક એવી થઈ ગઈ કે જેમાં વિવિધ પક્ષના તથા ભિન્ન ભિન્ન વિચારો અને અભિપ્રાયો ધરાવતા સહુની સહાનુભૂતિ મળી હોય.

૨૧૭