પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨ મું
અભિનંદન
 


કરતાં વધારે કીમતી છે. હું તો માનું છું કે ખેડૂતોની રગેરગમાં શરાબની માફક — જો આ ઉપમા સામે આપનો વાંધો ન હોય તો — એ ફરી વળશે.”

સર લલ્લુભાઈ શામળદાસે ‘ઇંડિયન નૅશનલ હેરલ્ડ’માં એક ખાસ લેખ લખ્યો. તેમાં તેઓ જણાવે છે, “તાલુકાના ખેડૂતોએ હિંસાનું એક પણ કૃત્ય કર્યા વિના આટલાં કષ્ટો સહ્યાં તેથી સારા હિંદુસ્તાનમાં જ નહિ પણ પરદેશમાં પણ તેમને માટે પ્રશંસા અને અજાયબી ઉત્પન્ન થઈ છે. ઉશ્કેરાયા વિના અને સામો ઘા કર્યા વિના લોકો કષ્ટો વેઠી લેશે એ વિષે હું અશ્રદ્ધાળુ હતો. આ લડતના કેટલાક આગેવાનો આગળ મારી અશ્રદ્ધા મેં વ્યક્ત કરી ત્યારે ખાસ કરીને શ્રી. મહાદેવ દેશાઈએ મને ખાતરી આપેલી કે જ્યાં સુધી આ લડત વલ્લભભાઈના કાબૂમાં છે ત્યાં સુધી ખેડૂતો તરફથી હિંસા થવાનો જરાય ભય નથી. સત્યાગ્રહની લડતને વિજયને અંતે પહોંચાડવાની લોકોની શક્તિ વિષેના મારા ખ્યાલમાં હું ભૂલ્યો હતો એ વસ્તુ હું ખુશીથી કબૂલ કરું છું. વલ્લભભાઈ સિવાય બીજા કોઈ આવી લડતમાં સફળ થાય નહિ. લોકોનો વિશ્વાસ તેમણે જેટલો જીતી લીધો તેટલો ભાગ્યે જ બીજો કોઈ જીતી શકે. ખેડૂતોએ પણ એટલી જ ધીરજ અને સહનશક્તિ બતાવ્યાં. પોતાના નેતાના પડ્યા બોલ તેમણે ઝીલ્યા છે.”

સરોજિની દેવીના મધુર પત્રથી આપણે આરંભ કર્યો. શ્રી. શ્રીનિવાસ શાસ્ત્રીના મધુરા પત્રથી આ પ્રકરણ સમાપ્ત કરશું :

“બારડોલી પ્રકરણનું પરિણામ સાંભળીને મને કેટલો આનંદ થયો છે ! બન્ને પક્ષને તે શોભા આપનાર છે. વલ્લભભાઈ પટેલ બહુ ઊંચે ચડ્યા છે. પૂજ્ય ભાવથી મારું મસ્તક તેમને નમે છે. તેમના ભાઈએ પણ ભલી કરી. અને ગવર્નરને પણ આપણે વીસરવા જોઈએ નહિ. તેમની મુશ્કેલીઓ પણ મોટી હશે જ. ઊંચા દરજ્જાના અમલદારોને કેટલાં બંધનો અને મર્યાદામાં રહીને કામ કરવું પડે છે તેનો ખ્યાલ આપણામાંના બહુ થોડાને હોય છે. પોતાની માનવલાગણીઓને બરાબર વ્યક્ત કરવાનું તેમને માટે શક્ય નથી હોતું, એટલા બધા તે તેમના હોદ્દાના અને તેને લગતી પરંપરાઓના ભાર નીચે દબાઈ ગયેલ હોય છે.

૨૬૧