પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અમૃતવાણી
 


સરદાર તમને બીજો નહિ મળે. એ મારા સગા ભાઈ જેવા છે છતાં એટલું પ્રમાણપત્ર તેમને આપતાં મને સંકોચ નથી થતો.

છાતીમાં ગોળી ખાવી એ હું એટલું કઠણ નથી માનતો, પણ રોજ કામ કરવું, ક્ષણેક્ષણે પોતા સાથે લડાઈ કરવી, પોતાની આત્મશુદ્ધિ કરવી એ કઠણ કામ છે. ગોળી તો એ રીતે બે જણ ખાઈ શકે છે. ગુનેગાર પણ ગુનો કરીને ખાય છે, પણ તેનાથી કંઈ સ્વરાજ મળે ? આત્મશુદ્ધિ કરીને જે ગોળી ખાવામાં આવી હોય તે જ સ્વરાજ લાવવાને સમર્થ છે. અને તે મુશ્કેલ છે. જેમને ખાવાનું નથી, જેમની પાસે પીવાનું નથી, જેમને પહેરવાનું નથી, તેમને ખાતાપીતા કરવા, ઉદ્યમી કરવા, તેમને ઓઢાડવા તેમાં ફાળો આપવો એ મુશ્કેલીનું કામ છે. ઉત્કલવાસીઓની કેવી દીનહીન દશા છે તે તમે ઘણી બહેનો અને ભાઈ જાણતાં નહિ હો. ત્યાંનાં હાડપિંજરની વાત મેં ખાસ કરીને બહેનોને ઘણીવાર કરી છે, જો તે તમને કહેવા બેસું તો તમારી અને મારી આંખમાંથી આંસુ ખરે. તમને અતિશયોક્તિ લાગશે. પણ ત્યાં તમને લઈ જાઉં તો તમે એ બધું નજરે જુઓ. હાડપિંજરમાં કંઈક ચરબી અને માંસ પૂરવાં એ કામ મુશ્કેલ છે, પણ એ આપણી પ્રતિજ્ઞા છે.

એ પ્રતિજ્ઞાનું પાલન ન કરો ત્યાં સુધી તમારે માથે કરજ રહેલું છે એમ સમજજો. તે ફરજ ફેડવાની ઈશ્વર તમને અને આપણને સૌને સન્મતિ અને શક્તિ આપે.

દેશને સંદેશ

સૂરતની વિરાટ સભા આગળ ગાંધીજી નીચે પ્રમાણે બોલ્યા હતા :

આજે સૂરતના શહેરીઓ આટલી બધી અગવડ સહન કરીને અહીં શાંતિથી બેઠા છે એ મને ૧૯૨૧ની યાદ કરાવે છે. આ જ મેદાનમાં મેં તમારી આગળ જે ભાષણ કર્યું હતું તેના ભણકારા હજી મારા કાનમાં વાગે છે. કદાચ તે તમારા કાનમાં પણ વાગતા હશે. તે વેળાના કાર્યક્રમમાં તમે જે નથી કર્યું તેની આજે તમને યાદ દેવડાવવા ઈચ્છું છું. બારડોલીના વિજયથી તમે અને બારડોલી શાંત થઈને બેસી ન જાઓ. સહભોજન કરીને તમને ધન્યભાગ્ય માની બેસશો તો સમજજો કે તમે બારડોલીનું રહસ્ય નથી જાણ્યું, બારડોલીની જીતમાંથી જેટલો લાભ ઉઠાવવો જોઈએ તે નથી ઉઠાવ્યો. હું તો વલ્લભભાઈ સાથે ચારપાંચ દિવસ રહ્યો તેટલામાં તેમની પાસે સાંભળી લીધું કે સરકારની સામે લડવું એ સહેલું છે પણ લોકની સાથે લડવું એ મુશ્કેલ છે. સરકારની સાથે લડવું એ સહેલું છે,

૨૮૭