પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


આમાં પણ પહેલાના દાખલા જેવું જ અજ્ઞાન છે. ખાતરના ૬૦ રૂપિયા ગણ્યા હતા કારણ કુમાલછોડમાં ખાતરનો ભાવ ગાડાનો ૧ાા રૂપિયો હતો, અને વરાડ જ્યાં પેલો ૧૦૦ રૂપિયાનો આંકડો આપવામાં આવ્યા હતા ત્યાં ૨ રૂપિયાનો ભાવ હતો. વળી અહીં પણ ચોખા અને ડાંગર બંનેને એક જ માનવામાં આવ્યાં છે, અને અમલદારો માનતા લાગે છે કે રૂ. ૩૪૬-૮-૦ ઓછા ૯૬ રૂપિયાની ખોટ એટલે ૨૪૦ રૂપિયામાંથી દુબળો, ખેડૂત અને એની સ્ત્રી, અને છોકરાનો ખર્ચ નીકળી શકે અને રૂ. ૫૮-૭ નો સરકારધારો ભરાઈ શકે.

બીજી ટીકા એ કરી છે કે આ ખેડૂતને ભેંસના ઘીદૂધમાંથી રૂા. ૧૫૭–૧ર નો નફો થાય છે તે ખેતીનો જ નફો છે, કારણ ખેડૂત પોતાની પાસે જમીન હોય છે માટે જ ભેંસો રાખી શકે છે ! પણ જમીનમાંથી જે ઘાસ થાય છે તે ઘાસનો તો જમા બાજુએ અમે હિસાબ આપીએ છીએ. પણ બીજો જે રોકડ ખર્ચ થાય છે તેનું શું ? પણ સાચી વાત જ એ છે કે ઘીદૂધની આવક એ ખેતીની આવક છે એ સિદ્ધાન્ત જ બેહૂદો છે અને ખેડૂતોને એ સિદ્ધાન્તની સામે લડી લીધે જ છૂટકો છે.

આમ નફાતોટાના અમારા હિસાબને અમલદારો જરાય અડી શક્યા નથી એમ અમારું માનવું છે, અને એ ન અડી શક્યા એટલે જ એની વધારે ખણખોદ ન કરવાનો અને ગણોતની ઉપર જ આધાર રાખવાનો સહેલો માર્ગ એમણે સ્વીકાર્યો..!

કમાલછોડના ખેડૂતનો હિસાબ જે દિવસે અમે રજૂ કર્યો તે દિવસે અમલદારોની સાથે થયેલી વાતચીત આખા પ્રશ્ન ઉપર સારો પ્રકાશ પાડે છે. એ વાતચીત અહીં આપી દઉં :

સાહેબો : ‘એ ખેડૂતને ખોટ જાય છે એ ધારો કે માની લઈ એ, પણ એટલી જ જમીન એ ગણોતે આપતો હોય તો તેને ફાયદો થાય, એટલે મહેસૂલ તેની ઉપર શા માટે ન લેવું ?’

અમે : ‘પણ સાચી વાત એ છે કે એમ ખેડૂતો પોતાની જમીન ગણોતે આપતા નથી, અને બધા ગણોતે આપે તો ગણોતે લે કોણ ?’

૩૨૮