પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૧૨૨


સંગીનો હુલાવવા ગુરખાઓ એ સત્તાના શત્રુ સામે ધસ્યા. મૃત્યુને અને શ્રદ્ધાનંદને લગીરે અંતર રહ્યું નહિ. અને સંન્યાસીએ પોતાના અંગ પરથી ભગવું ઓઢણ ખસેડી એ સંગીનોની પ્યાસ છીપાવવા માટે પોતાની લોહીછલકતી પહોળી છાતી પાથરીને પડકાર્યું કે 'આવો ! આ પ્રજાની ઉપર ગોળીબાર કરતા પહેલાં તો મને જ સુખેથી વીંધી નાખો !'

મૃત્યુને આટલા પ્યારથી ભેટવા તલસતા મહાવીરને સિપાહીએાએ આજે પહેલી જ વાર જોયો. જોતાંની વાર જ તેઓના અંતરમાં જાગૃત થયેલી પાશવતા સ્તબ્ધ બની ગઈ. સંગીનો ઝાંખાં પડીને હાથમાં ને હાથમાં થંભી ગયાં. હજારો કંઠમાંથી ગગનભેદી ધ્વનિ ગાજયો કે 'શ્રદ્ધાનંદની જય !' અને જાણે કશું જ બન્યું ન હોય એવી આત્મશાંતિથી ડગ ભરતા એ મૃત્યુંજય પોતાની પ્રજા-સેનાની સાથે પોતાને પંથે આગળ વધ્યા.

પછી દેશમાં રમખાણો થયાં. લશ્કરી રાજ્યવહીવટે પંજાબમાં કેર વર્તાવ્યો અને જલીઆંવાલા બાગની કતલ ચાલી. મહાત્માજીએ સત્યાગ્રહ સંકેલી લીધો. અને સંન્યાસી ફરી વાર પાછા થોડી ઘડી અદૃશ્ય થાય છે. અને ક્યાં જાય છે ? પંજાબને ગામડે ગામડે: લશ્કરી અમલના સિતમોની કથનીઓ એકઠી કરવા : એકઠી કરીને મહાસભા સમિતિના હાથમાં હેરત પમાડનારા પૂરાવાઓ ધરવા : અને એ ઓડવાયરશાહીના સળગતા અંગારામાંથી અણદાઝ્યું બહાર આવીને ફરી પાછું એ પહાડી સ્વરૂપ અમૃતસરની