પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૫

હિન્દુવટને હાકલ



માટે તો જેલમાં મનુષ્ય પરતંત્ર જ થઈ જતો જણાય છે. પરંતુ મેં જેલની એકાન્તમાં આત્મચિન્તનના આનંદને જ સ્વતંત્રતા સમજી લીધેલ. એને મુકાબલે તો બહાર આવ્યા પછી હું દેશસેવા અને ધર્મસેવાના પ્રેમીઓને અપ્રસન્ન કર્યા વિના સાચો સ્વતંત્ર નહિ રહી શકું. ખેર ! આપણી અવસ્થાઓ આપણને સ્વાધીન કયાં છે !'


હિન્દુવટને હાકલ

કારાગૃહના દરવાજામાંથી બહાર નીકળતાં જ ઉંબરમાં એ સંન્યાસીને માટે એક ધર્મયુદ્ધનું નોતરું તૈયાર ઊભું હતું. જે મહાપંથ ઉપર ગુરૂ ગોવિન્દસિંહનાં, ગુરૂ તેજબહાદુરનાં અને એવા કૈંક ધર્મવીરોનાં કંકુ જેવાં લાલચોળ લોહીનાં છાંટણાં છંટાયાં છે, તે મૃત્યુના પંથ પર ચાલી નીકળવાનું આ નોતરૂં હતું. દિલ્હી નગરની જામામસ્જિદના તખ્ત પર ચડીને ખિલાફતની આપત્તિ વેળા હિન્દુમુસલમીનોને સંયુક્ત પ્રાણવિસર્જનનો પેગામ સંભળાવવાની ઐક્યભાવના તે કાળે આથમી ગઇ હતી. સૈકાઓના સૈકાઓ સુધી હિન્દુ જાતિના કલેજામાં જે મુસ્લિમ ધર્મઝનૂનના કારમા ઘા પડ્યા હતા તેના ઉપર પાટા બાંધીને, તવારીખનાં વૈર વિસરીને હિન્દુજાતિએ મુસ્લિમોને ખિલાફતનો જંગ જીતવાની જબરજસ્ત