પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૧૫૪


તમામ સૃષ્ટિથી ચડિયાતે દરજ્જે બેસાડે છે, અને એ કારણે જ હિંદમાં જનેતાપણું–માતૃત્વ આટલું મહદ્ સન્માન પામી રહેલ છે. પ્રાચીન હિન્દુઓએ સ્ત્રીને જુદેજુદે સ્વરૂપે પૂજેલી છે: શક્તિ (ચેતના). સરસ્વતી (વિદ્યા), લક્ષ્મી (ધન), અને દુર્ગા (માતૃત્વ) : એ બધી સ્ત્રી-દેવતાઓ જ છે. હિન્દમાં તો માતાને, પત્નીને, બહેનને, પ્રત્યેકને માટે અક્કેક અલાયદો ઉત્સવ નિમાયેલો છે. એટલે જ પોતાની પત્ની, પુત્રી અથવા માતા સિવાયની પ્રત્યેક પરાયી સ્ત્રીને હિન્દમાં 'માતા' તરીકે સંબોધવામાં આવે છે, અજાણી સ્ત્રી સાથે વાત કરતી વેળા હિન્દુ હંમેશા 'મા' અથવા 'બહેન' કહીને, ઘણુંખરૂં તો 'માઈ' કહીને જ બોલાવે છે.'

'કોઈ પણ હિન્દી, સિવાય કે જેની નૈતિક ભાવના પરદેશી સરકારના ચાલુ જાસૂસી કામને લીધે છેક જ ભ્રષ્ટ થઈ ગઈ હોય, અથવા તો જેની સમતોલતા ગુસ્સાથી તદ્દન ગૂમ થઈ હોય-તે સિવાયનો કોઈ પણ હિન્દીજન સ્ત્રીજાતિનું અપમાન કરી શકે એવું અમે માનતા નથી. યુરોપીઅનો ચાહે તે બોલે, છતાં હિન્દીને સ્ત્રીજાતિ પ્રત્યે ઊંચું સન્માન છે. હિન્દને પોતાની ધર્મપત્ની પોતાના અંગ સમી છે, અને જગતની અન્ય તમામ સ્ત્રી - એ ચાહે તે હો – એને મન 'દેવી' સમાન, માતા અને બહેન સમાન અદબ કરવા લાયક છે. 'પંજાબી' પત્રે ૧૯૦૭ની મેની ૮મીએ વ્યક્ત કરેલા આ વિચારો મારી પોતાની જ લાગણી રજૂ કરે છે.'