પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૧૮૦સાચો વીર એ, કે જે સાચો વીતરાગ થઈ શકે, કાળાપાણીની સજા ભોગવવા સંચરતા લાજપતરાયની આ રીતે વીતરાગ- દૃષ્ટિ ઊઘડી ગઈ. પરંતુ ખરી કસોટી હજુ ચાલી આવતી હતી. એ પોતે જ નેાંધી ગયા છેઃ

'લાહોરથી માંડલે સુધીની મારી આખી મઝલમાં મારા હિન્દુ ને મુસ્લિમ બન્ને કોમના પોલીસ ચેકીદારોએ મને પ્રેમથી જ નવરાવ્યો છે. એક ખૂબસુરત ચહેરાવાળા નૌજવાન મુસ્લિમ કોન્સ્ટેબલની ઊંડી માયા હું કદી નહિ ભૂલું. મારી વિપત્તિ પર એ રડતો હતો. પોતાની અને માતૃભૂમિની લાઈલાજીને એ કરૂણ શબ્દે ગાતો હતો. બીજો એક જણ બર્માનાં ઝમરૂખ લાવીને મને આપી ગયો. મેં એને રીઝવવા થોડાં લીધાં. એણે જીદ કરી કે 'ના, બધાં જ લો. કોને માલૂમ કદાચ આપનું દર્શન છેલ્લી વારનું હશે !' મેં કહ્યું 'ભાઈ, હિમ્મત ધર, પ્રભુ પરની આસ્થા ન છોડ. મારો અંતરાત્મા બોલે છે કે હું તુરતમાં જ પાછો વળીશ.' મારા શબ્દો સાંભળીને હર્ષગદ્દગદિત બનેલા એ પોલીસે મારા પગ ઝાલી લીધા. આજ જીવનમાં પહેલી જ વાર, પાશ્ચાત્ય સુધારાના દંભી ચળકાટથી અલિપ્ત રહેલી એવી હિન્દી હૃદયની ભવ્ય નિર્મળતા એના સંપૂર્ણ અને શુદ્ધ સ્વરૂપે મારા આત્મા પર છવરાઈ ગઈ. આ એક હિન્દી : મારો વિધર્મી : ગરીબીમાં પિસાયેલી ખેડુ કોમમાંથી વખાનો માર્યો સાત આઠ રૂપિયાની અધમ નોકરી કરવા આવેલો આ ગામડિયો : મારા પ્રતિની વેદના બતાવવાને માટે પોતાનો રોટલો કુરબાન કરવા તૈયાર થયો.