લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
 


હોત. કેમકે તે એના પોતાના જિલ્લામાં હતું, અને બીજા ગામડાંના વેપારીઓ જોડે એને લાંબા વખતથી એવો કરાર હતો કે કોઇએ બીજાના જિલ્લામાં પડાપડી કરી જમીનના ભાવ વધારી મૂકવા નહીં. પણ હમણાં જ તેને કાને એવી વાત આવી હતી કે કસબાના કેટલાક ઇમારતી લાકડાના વેપારી ગોરિયાચકીનના જંગલને માટે માગણી કરવાના હતા. એટલે તેણે તરત જ જઈને સોદો પાકો કરી નાખવાનો નિશ્ચય કર્યો. જમણ પૂરું થયું કે તરત તેણે તિજોરીમાંથી સાતસો રૂબલ કાઢ્યા. તેની પાસે દેવળની ત્રેવીસસો રૂબલની થાપણ હતી તે એમાં ઉમેરી. એટલે ત્રણ હજારની રકમ થઇ. એ નોટો તેણે કાળજીથી ગણી જોઇ, ને તેને ખીસાના પાકીટમાં મૂકી ઊપડવાની તાકીદ કરવા માંડી.

વાસીલીના ચાકરોમાંથી એકલા નીકીટાએ જ તે દિવસે દારૂ ઢીંચ્યો નહોતો. તે ગાડીએ*[] ઘોડો જોડવા દોડ્યો. નીકીટા હતો તો અઠંગ દારૂબાજ, પણ તેણે આજે દારૂ પીધેલો નહીં. થોડા વખત પર તેણે ડગલો ને ચામડાના બૂટ વેચીને દારૂ પીધો ત્યારબાદ તેને ચાનક આવેલી, ને તેણે ફરી દારૂને ન અડવાની પ્રતિજ્ઞા લીધી હતી. બે મહિના થયાં તેણે એ પ્રતિજ્ઞા પાળી હતી. આ મોટા પરવના પહેલા બે દિવસે ઠેરઠેર દારૂ પિવાયેલો, એટલે લાલચ તો ઘણી હતી, છતાં નીકીટાએ પ્રતિજ્ઞા તૂટવા દીધી નહોતી.

નીકીટા પાસેના એક ગામડાનો પચાસેક વરસનો ખેડૂત હતો. ત્રેવડથી ઘરસંસાર ચલાવવાનું એને કદી આવડેલું નહીં. ઘણીખરી જિંદગી તો તેણે ઘરથી દૂર મજૂરી કરી ખાવામાં જ કાઢેલી. એનામાં ઉદ્યમ, આવડત, ને કામ કરવાનું જોર હતાં; એટલે એ ગુણોને માટે, ને એથીયે વધારે એના હેતાળ ને આનંદી સ્વભાવને માટે, બધે એની ભારે કિંમત અંકાતી. પણ એ ક્યાંયે લાંબો વખત


  1. * આ ગાડી તે રશિયામાં ખાસ બરફ પર ચલાવવા માટે જ બનાવેલ હોય છે, ને નાનકડી હોય છે. તેને ‘સ્લે’ કહે છે.