લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫
 


સહેલાઈથી જોઇ શકાતી નહોતી, કેમકે પવન સીધો તેમનાં મોં પર અથડાતો હતો.

વાસીલીએ આંખો મિચકારી, માથું નીચું નમાવ્યું, અને થાંભલીઓ જોવાનો પ્રયત્ન કર્યો, પણ મુખ્યત્વે તો એણે ઘોડાના શાણપણ પર જ ભરાસો રાખી તેને જવું હોય ત્યાં જવા દીધો. અને ઘોડો પણ ખરેખર રસ્તો ન ચૂકાતાં તેના વાંકઘોંક પ્રમાણે ક્યારેક જમણી બાજુ તો ક્યારેક ડાબી બાજુ ફંટાતો ગયો, ને પગ નીચે રસ્તો બરાબર છે કે નહિ તે જોતો ગયો. એટલે, બરફ વધારે જામ્યો હતો ને પવન વધારે જોરથી ફૂંકાતો હતો છતાં, એમને ક્યારેક રસ્તાની ડાબી બાજુ તો ક્યારેક જમણી બાજુ થાંભલીઓ દેખાયાં કરતી હતી.

આમ દસેક મિનિટ ચાલ્યું હશે ત્યાં એકાએક, પવનથી ઘસડાતા બરફના તીરછા પડદાની આરપાર કઈક કાળું કાળું દેખાયું ને ઘોડાની આગળ આગળ ખસતું હતું.

આગળ એક બીજી ગાડી જતી હતી, ને તેમાં પણ મુસાફરો બેઠેલા હતા. મુખોરટીએ એમને પકડી પાડ્યા, ને આગલી ગાડીના પાછલા ભાગ પર પોતાનો પગ ઠોક્યો.

‘જાઓ જાઓ, એ ભાઇ.....આગળ નીકળી જાઓ !’ પેલી ગાડીમાંથી અવાજો આવ્યા.

વાસીલીએ આગળ નીકળી જવા ઘોડાને સહેજ ફંટાવ્યો. પેલી બીજી ગાડીમાં ત્રણ પુરુષો ને એક સ્ત્રી બેઠાં હતાં. ક્યાંક પરવની ઉજાણીમાં જઈને આવતાં હશે. એક ખેડૂત લાંબી સોટી એમના નાના ઘોડાની પીઠ પર ફટકારતો હતો. બીજા બે જણ આગળ બેઠેલા તે હાથ હલાવતા ને કંઈક બરાડા પાડતા હતા. બૈરીએ શરીરે, મોઢે માથે જે ધાબળો ગોટપોટ ઓઢી લીધેલો હતો તેના પર બરફ છવાઇ ગયો હતો. તે ગાડીના પાછલા ભાગમાં બેઠી બેઠી ઊંઘતી હતી ને હેલા ખાતી હતી.

‘કોણ છો તમે?’ વાસીલીએ ઘાંટો પાડીને પૂછ્યું.