લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭
 


અને બૂમબરાડા બંને શમી ગયાં; અને કાનમાં વાગતા પવનના સૂસવાટા, અને અવારનવાર પવનથી વળાઇને સાથે થઇ ગયેલા રસ્તા પર ગાડીનાં પાટિયાંનો ચરેડાટ, એ સિવાય કંઇ પણ અવાજ આવતા બંધ થઇ ગયો. ચોગરદમ સુનકાર વ્યાપી રહ્યો.

પેલી ગાડીનો ભેટો થવાથી વાસીલીને સ્ફૂર્તિ આવી હતી, ને તેને જાણે નવું જોમ આવ્યું હતું. તેણે રસ્તાની થાંભલી તપાસ્યા વિના જ હાંક્યે રાખ્યું. ઘોડાને ડચકારા કરતો ગયો, ને ગાડી એને જ વિશ્વાસે મૂકી દીધી.

નીકીટાને કશું કરવાનું તો હતું નહીં. આવી સ્થિતિમાં તે હંમેશાં ઝોકાં ખાતો, ને ઘણા ઉજાગરાનું સાટું વાળી લેતો. એકાએક ઘોડો થંભી ગયો, ને નીકીટા ધબાક દઈને ભોંય પર પટકાતો રહી ગયો.

‘આપણે તો પાછા રસ્તો ચૂક્યા દેખું,’ વાસીલી બોલ્યો.

‘શા પરથી?’

‘કેમ, ખાંભલી તો એકે દેખાતી નથી. પાછા રસ્તો ભૂલ્યા એમ લાગે છે.’

‘ભલે, રસ્તો ભૂલ્યા તો પાછો શોધી કાઢવો, બીજું શું?’ નીકીટાએ સહેજ તોછડે અવાજે કહ્યું. તે ઊતર્યો, ને વળેલી આંગળીઓવાળો પગ હળવે હળવે મૂકીને બરફ પર ફરી પાછો રસ્તો શોધવા રખડવા લાગ્યો.

એમ ને એમ એ ઘણીવાર ફર્યો. કયારેક ગાડી પાસે દેખા દેતો, ને પાછો અલોપ થઇ જતો છેવટે પાછો આવી ગાડીમાં ચડીને તેણે કહ્યું: ‘અહીં તો ક્યાંય રસ્તો નથી. આગળ ઉપર હશે.’

હવે અંધારું પડવા લાગ્યું હતું. બરફનું તોફાન વધ્યું નહોતું તેમ શમ્યુંયે નહોતું.

‘પેલા ખેડૂતના અવાજ સંભળાય તો કેવું સારૂં!’ વાસીલી બોલ્યો.