લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 


ત્યારે તો મને લાગેલું કે તબિયત સુધરતી જાય છે.’

‘હું તો રજા પછી એમને જોવા ગયો જ નહોતો. જાઉં જાઉં કરતાં રહી ગયું.’

‘કોઈ મિલકત બિલકત મૂકી છે ખરી?’

‘મને લાગે છે બૈરીની થોડીક મિલકત હતી, પણ તે નહીં જેવી.’

‘આપણે બાઈને મળવા જવું પડશે. પણ એ લોકો ઘણાં જ દૂર રહે છે.’

‘તમારા ઘરથી દૂર એમ કહોને. તમારા ઘરથી તો બધું જ દૂર પડે છે.’

‘લો જુઓ, હું નદીને સામે પાર રહું છુંં એ ભાઇસાહેબથી સહન જ થતું નથી,’ પીટર ઇવાનોવે શેબેકની સામે મોં મલકાવીને કહ્યું. શહેરના જુદા જુદા ભાગ વચ્ચેનાં અંતરની વાત કરતી કરતી જ મંડળી અદાલતમાં પાછી ફરી.

ઇવાનના મૃત્યુથી કોની બદલી થશે ને કોનો પગાર વધશે એની અટકળો ચાલી. તે ઉપરાંત, એક નજીકનો ઓળખીતો મરી ગયાની ખબર સાંભળનાર દરેક જણના મનમાં હંમેશાં થાય છે – એમ—એવી જ લાગણી થઈ કે ‘મરી તો ઇવાન ગયો છે, હું નથી મરી ગયો.’ એ વિચાર આવતાં દરેક જણને મનમાં ટાઢક વળી, ને દર જણે ‘હાશ’ કરીને સાસ હેઠો મૂક્યો.

દરેક જણને થયું, ‘એ મરી ગયો, પણ હું તો જીવતો છું ને !’ પણ ઇવાનના ઓળખીતામાંથી જેમની સાથે તેને નિકટનો સંબન્ધ હતો, જેઓ તેના મિત્રો કહેવાતા, તેમને તો એક બીજો વિચાર એ પણ આવ્યો કે ‘અમારે હવે પાયદસ્તની ક્રિયામાં હાજરી આપવી પડશે, ને એની વિધવા પાસે ખરખરો કરવા જવું પડશે. જતાં કંટાળો તો બહુ આવશે, પણ શું કરીએ ? એટલો વિવેક કર્યા વિના છૂટકો છે?’