લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
 


ઘરના માલિક ડોસા તરફ વળી પહેલો એને, પછી ટેબલ આગળ બેઠેલા સહુને, ને છેવટે ચૂલા આગળ ઊભેલી સ્ત્રીઓને નમન કર્યું; અને ટેબલ તરફ જોયા વિના ડગલો ઉતારવા માંડ્યો.

‘અરે, તું તો બરફથી લથબથ થઈ ગયો છે, ડોસા!’ નીકીટાનાં મોં ને દાઢી બરફથી છવાઇ ગયેલાં હતાં તે જોઈ મોટા છોકરાએ કહ્યું.

નીકીટાએ ડગલો ઉતારી ફરી ખંખેર્યો, ચૂલા પાસે ભીંતે ટિંગાડ્યો, ને પછી તે ટેબલ પાસે આવ્યો. એની આગળ પણ દારૂ ધરવામાં આવ્યો. પળવાર તો એના મનમાં આનાકાની થઇ, દુઃખ પણ થયું. દારૂનો ગલાસ લઇ અંદરનો ચોખ્ખો સુગંધી પ્રવાહી ગળામાં રેડી દેવા જતો હતો પણ ખચકાઇ ગયો. તેણે વાસીલી સામે જરાક નજર નાખી. તેને પોતે લીધેલી પ્રતિજ્ઞાનું સ્મરણ થયું, દારૂ પીવા માટે બુટ વેચેલા તે પ્રસંગ યાદ આવ્યો, પીપવાળો નજર સામે ખડો થયો, દીકરાને ઉનાળામાં ઘોડો વેચાતો લઇ દેવાનું વચન આપેલું તેની સ્મૃતિ તાજી થઇ, ને તેણે દારૂનો ગલાસ પાછો ઠેલ્યો.

‘હું નથી પીતો, માફ્ કરજો,’ કહી તેણે ભવાં ચડાવ્યાં, ને બીજી બારી પાસે એક બાંકડો પડેલો તેના પર બેઠો.

‘કેમ નથી પીતા?’ મોટા છોકરાએ પૂછ્યું.

‘બસ નથી પીતો એ જ, બીજું કારણ શું હોય ?’ આ જવાબ દેતાં નીકીટાએ આંખો ભોંય પર ઢળેલી જ રાખી, પણ આછી દાઢીમૂછ તરફ જોઇ તેમાંથી બરફના કણ વીણવા માંડ્યા.

‘એને સદતો નથી દારૂ,’ વાસીલીએ પોતાનો ગલાસ ખાલી કરી બિસકીટ ચાવતાં ચાવતાં કહ્યું.

‘તો ભલે, થોડી ચા પી.’ હેતાળ ડોસી બોલી. ‘તારું શરીર ઠરી ગયું હશે, ભલા માણસ! અલીઓ તમે કેમ આળસ કરો છો ? કીટલી કેમ લાવતી નથી?’