ઉપલો મોટો ડગલો પહેરી તેણે ઊંડો નિસાસો નાખ્યો, ઘરનાં માણસોનો આભાર માન્યો, સલામ કરીને વિદાય લીધી, અને હૂંફાળા ને અજવાળાવાળા ઓરડામાંથી ઠંડીગાર અંધારી ચાલીમાં ગયો. ત્યાં પવન સુસવાટા મારતો હતો, ને ખખડાટ કરતા બારણાની ફાટોમાં થઈને બરફની કરચો અંદર આવતી હતી. ચાલીમાંથી નીકીટા વાડામાં આવ્યો.
પેદ્રુશ્કા ઘેટાના ચામડાનો ડગલો પહેરીને વાડાની વચ્ચોવચ એની ઘોડી પાસે ઊભો ઊભો પૉલસનની બાળપોથીમાંની કેટલીક લીટીઓ લલકારતો હતો. નીકીટાએ ઘોડાને લગામ ચડાવતાં ચડાવતાં સંમતિ દર્શાવવા ડોકું હલાવ્યું.
વાસીલી જવા નીકળ્યો એટલે ડોસો હાથમાં ફાનસ લઇને દીવો બતાવવા આવ્યો, પણ ફાનસ એકદમ હોલવાઇ ગયું. વાડામાં પણ એમ દેખાતું હતું કે તોફાનનું જોર વધ્યું છે.
‘આનું નામ તે હવા!’ વાસીલીએ વિચાર કર્યો. ‘કદાચ અમે પેલે ગામ પહોંચવા જ નહીં પામીએ. પણ હવે કંઈ છૂટકો નથી. એ તો વેપાર! વળી હવે અમે તૈયાર થયા. ડોસાના ઘોડા પર સામાન પણ નંખાયો. ભગવાન મદદ કરશે તો પહોંચી જવાશે!’
ડોસાને પણ થયું કે શેઠ આવામાં ન જાય તો સારું. પણ અણે શેઠને સમજાવી જોયા હતા, ને એમણે માન્યું નહોતું. તેણે વિચાર કર્યો; હવે ફરી કહેવામાં માલ નથી. કદાચ મારા ઘડપણને લીધે મને ડર લાગતો હોય. એ લોકો હેમખેમ પહોંચી જશે, ને અમે વખતસર સૂવા પામીશું. બૈરાંને ધાંધલ નહીં કરવી પડે.’
પેદ્રુશ્કાના મનમાં ભો નહોતો. તે રસ્તાથી ને આખા જિલ્લાથી પૂરેપૂરો વાકેફ હતો; ને એની કવિતાની લીટીઓના વર્ણન સાથે બહારનો દેખાવ એવો આબેહૂબ મળતો આવતો હતો કે એ તો ઉત્સાહમાં હતો. નીકીટાને જવાની જરાયે મરજી નહોતી, પણ પોતાની મરજી પ્રમાણે ન ચાલવાની ને બીજાની ચાકરી કરવાની ટેવ