ખાસો છંટકાવ થયો ને બરફ ડગલાના કૉલરમાં પેસી ગયો.
‘આ તે કેવું કહેવાય!’ બરફ અને ખાઇને જાણે ઠપકો આપતો હોય એમ નીકીટા બોલ્યો. કૉલર નીચેથી બરફ એણે ખંખેરી કાઢ્યો.
‘નીકીટા! ઓ નીકીટા!’ ઉપરથી વાસીલીએ રાડ પાડી.
પણ નીકીટાએ જવાબ દીધો નહીં. એનું ધ્યાન તો બરફ ખંખેરી કાઢવામાં ને પાળ પરથી ગબડી પડતી વેળા હાથમાંથી પડી ગયેલો ચાબૂક શોધી કાઢવામાં હતું. ચાબૂક જડ્યો એટલે જે પાળ પરથી તે ગબડી પડ્યો હતો તેની ઉપર સીધો ચડી જવાનો પ્રયત્ન તેણે કર્યો. પણ તે ફરી ગબડવા લાગ્યો, ને તેથી ઉપર જવાનો રસ્તો શેાધવા તેને ફરી ખાઇને તળિયે જવું પડ્યું. સાતેક વાર આઘે તે ચોપગા પ્રાણીની જેમ હાથપગ ટેકવીને મહામુસીબતે ઉપર ચડી શક્યો ને ત્યાંથી, ખાઇને કિનારે કિનારે ચાલીને, ઘોડો મૂળ જ્યાં ઊભો હતો ત્યાં પહોંચ્યો. પણ ત્યાં ઘોડો કે ગાડી કશું ન મળે. સામે મોંએ પવનની દિશામાં ચાલ્યો ત્યાં વાસીલીની બૂમો ને ઘોડાનો હણહણાટ તેને બોલાવતાં સંભળાયાં.
‘આવ્યો! આવ્યો! શાના ટકટક કર્યા કરો છો?’ તે ગગણ્યો.
છેક ગાડી પાસે આવ્યો ત્યારે જ તે ઘોડાને ઓળખી શક્યો. વાસીલી એની પાસે ઊભેલો તે પહાડ જેવો લાગતો હતો.
‘અલ્યા, ક્યાં અલોપ થઇ ગયો હતો તું? ભલે ગ્રીશિંકો તો ગ્રીશિંકો, પણ આપણે પાછા જવું જોઇએ,’ વાસીલી નીકીટાને વઢવા લાગ્યો.
‘મને તો પાછા જવાનું બહુ ગમે, વાસીલી શેઠ, પણ કયે રસ્તે જશું આપણે? અહીં તો એવી ખાઇ છે કે એમાં પડ્યા પછી બહાર નીકળવાની વાત જ ન કરવી. હું પોતે ત્યાં એવો સજ્જડ ચોંટી ગયો હતો કે બહાર નીકળતાં નાકમાં દમ આવી ગયો.’
‘ત્યારે શું કરીશું? અહીં તો ન જ રહી શકાય ! ક્યાંક તો જવું જ જોઈએ?’