લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૭
 


લાગી કે અત્યારે તે ગ્રીશિંકોના પેલા હૂંફાળા ઘરમાં ઘસઘસાટ ઊંઘતો હોત. તે ફરી બેઠો થયો, આમતેમ ફર્યો, મોઢા માથે ઓઢી લીધું, ને પાછો સૂઇ ગયો.

એકવાર તો તેને એવો ભણકાર આવ્યો જાણે કે દૂર કૂકડો બોલ્યો. તે રાજી થયો, ડગલાનો કૉલર ઉતાર્યો, ને કાન માંડીને સાંભળી રહ્યો. પણ એ બધા પ્રયત્નો છતાં, બે પોલની વચ્ચે આવતો પવનનો સૂસવાટો, રૂમાલનો ફડડાટ, ને ગાડીએ અથડાતો બરફનો અવાજ, એ સિવાય કશું સંભળાયું નહીં.

નીકીટા જેવો પહેલેથી બેઠેલો તેવો જ બેસી રહ્યો હતો. ન તો એ હલ્યો, ન તો વાસીલીએ બેવાર બૂમ પાડી તેનો જવાબ એણે આપ્યો. વાસીલીએ ગાડીની પાછળ, બરફના જાડા થરથી ઢંકાઈ ગયેલા નીકીટા સામે નજર નાખી જોઈ. ‘એને છે કંઇ ચિન્તા? ઊંઘતો હશે નિરાંતે!’ આ વિચાર આવતાં વાસીલીને ચીડ ચડી.

વાસીલી ઊઠ્યો ને પાછો સૂઇ ગયો. આમ વીસેકવાર એણે કર્યું. એને થયું રાત કદી પૂરી થવાની જ નથી. ‘પરોડ થવા આવ્યું હશે,’ એવો વિચાર આવતાં તેણે ઊઠીને આસપાસ નજર નાખી જોઇ. ફરી થયું: ‘લાવને; ઘડિયાળ તો જોઉં. બટન ખોલતાં ટાઢ તો વાશે, પણ વહાણું વાવા આવ્યું છે એટલી ખબર પડે તો મનને તો જરા નિરાંત વળે, ઊઠીને ઘોડાનો સામાન બાંધવા મંડાય.’

વાસીલીને હૃદયના ઊંડાણમાં તો એમ થયું હતું કે હજી પરોડ થવા આવ્યું નહીં હોય. પણ એની બીક વધતી હતી, એટલે એના મનમાં ખરી સ્થિતિ જાણવાની, ને છતાં પોતાના મનને છેતરવાની, એમ બંને ઇચ્છાઓ થતી હતી. તેણે ડગલાનું બટન સંભાળથી ખોલ્યું, હાથ અંદર નાખ્યો, અને ઘણાં ફાંફાં માર્યાં ત્યારે હાથ જાકીટ સુધી પહોંચ્યો. એનેમેલની ફૂલની ભાતવાળું ચાંદીનું ઘડિયાળ તેણે મહામુસીબતે કાઢ્યું, દીવા વિના તો કશું દેખાય એમ હતું નહીં. સિગરેટ સળગાવતી વખતે પડેલો એમ તે