લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
 


ફરી પાછો ઢીંચણ ને કોણી પર નીચો પડ્યો, દીવાસળી કાઢી, ને તેમાંની એક સળગાવવા માંડી. આ વેળા એણે વધારે કાળજીથી કામ લીધું અને મોટામાં મોટા માથાવાળી ને વધારેમાં વધારે ફૉસફરસવાળી દીવાસળી આંગળી વડે શોધી કાઢી તેને પહેલે જ પ્રયત્ને સળગાવી. ઘડિયાળનો ચંદો અજવાળામાં લાવીને જોતાં તેના અચંબાનો પાર રહ્યો નહીં...... બાર ઉપર દસ જ મિનિટ થઈ હતી. હજુ તો લગભગ આખી રાત બાકી હતી.

‘અરેરે, રાત કેવી લાંબી છે!’ એ વિચાર આવતાં તેને શરીરે ટાઢની ધ્રુજારી આવી ગઇ. તેણે બંને ડગલાનાં બટન કફ બીડી લીધાં, ને ધીરજથી રાહ જોવાનો નિશ્ચય કરી ગાડીના એક ખૂણામાં સોડિયું વાળીને ભરાઇ બેઠો. એકાએક, પવનના એકલસૂસરા ઘૂઘવાટ ઉપરાંત, તેણે બીજો નવો ને જીવતો અવાજ સ્પષ્ટ સાંભળ્યો. એ અવાજ વધારે ને વધારે મોટો થતો ગયો, અને બહુ જ સ્પષ્ટ સંભળાયા પછી પાછો એટલો જ ધીમેધીમે ધીરો પડતો ગયો. એ વરુ હતું એમાં જરાયે શંકા નહોતી. અને એ વરુ એટલું પાસે હતું કે એણે અવાજ બદલ્યો તે વખતની એનાં જડબાંની હિલચાલ પણ પવનમાં સંભળાઇ. વાસીલીએ ડગલાનો કૉલર નીચો ઉતારી. કાન માંડ્યા. ઘોડાએ પણ કાન હલાવી સાંભળવાનો પ્રયત્ન કર્યો; અને વરૂએ એની ગર્જના બંધ કરી એટલે ઘોડાએ એક પછી એક પગ ઊંચા કરીને પાછા જમીન પર મુકવા માંડ્યા. તે ચેતવણીરૂપે હણહણ્યો. આ પછી વાસીલીને ફરી ઊંઘ આવી નહીંં તેમ તેના જીવને શાન્તિ પણ ન વળી. પોતાનો હિસાબ, પોતાનો વેપાર, પોતાની પ્રતિષ્ઠા, પોતાની યોગ્યતા, ને પોતાની માલમતાનો જેમજેમ વધારે વિચાર તે કરવા લાગ્યો તેમતેમ તેના મનમાં ભયનું જોર વધતું ગયું; અને પોતે ગ્રીશિંકોમાં રાત ન રહ્યો એનો પસ્તાવો તેના ચિત્તને બેચેન કરવા ને તેના તમામ વિચારોમાં ભળવા લાગ્યો.