‘પૂળો મૂકે એ જંગલ પર! ઇશ્વરની કૃપાથી એના વિનાયે લીલાલહેર છે. અરે ભગવાન, અમે ત્યાં રાત રહી ગયા હોત તો!’ તેણે મનમાં જ કહેવા માંડ્યું. લોકો કહે છે બહુ દારૂ પીનારા માણસો જ બરફમાં થીજીને મરી જાય છે, ને મેં તો દારૂ પીધો છે.’ પોતાને થતી લાગણીઓ તપાસતાં તેણે જોયું કે તે થથરવા લાગ્યો હતો. થથરાટ ટાઢનો હતો કે બીકનો એની તેને ખબર નહોતી. તેણે ગોટપોટ ઓઢીને પહેલાંની જેમ સૂઇ રહેવાનો વિચાર કર્યો, પણ તેનાથી સુવાયું નહી. એકની એક સ્થિતિમાં તેનાથી રહેવાય જ નહીં. તેને ઊઠવાનું મન થયું; તેના મનમાં જે ભય જુવાળની પેઠે વધ્યે જતો, હતો ને જેની સામે પોતે સાવ લાચાર છે એમ તેને લાગવા માંડ્યું હતું, તે ભયને જીતવા તેને કંઇ પણ કરવાનો વિચાર આવવા લાગ્યો. તેણે ફરી સિગરેટને દીવાસળીઓ કાઢી, પણ હવે ત્રણ જ દીવાસળી બાકી રહી હતી, ને તે ખરાબ હતી. ત્રણે પરનો ફોસફરસ ઘસાઇ ગયો, ને એકે સળગી નહીં.
‘જાને જાહાનમમાં! બદમાસ! તારું મોઢું કાળું કર!’ તે બબડવા લાગ્યો. કયા માણસને કે કઇ ચીજને તે ગાળ દેતો હતો એનું તેને ભાન નહોતું. કચરાયેલી સિગરેટ તેણે ફેંકી દીધી. દીવાસાળીની પેટી પણ ફગાવી દેવા જતો હતો, પણ તેમ ન કરતા હાથની ગતિને રોકી લઇ પેટી ગજવામાં મૂકી દીધી. તેના મનને એટલી બધી બેચેની થતી હતી કે એક જગાએ બેસવું કે સૂવું તેને અશક્ય થઈ પડ્યું. તે ગાડીમાંથી ઊતર્યો. પવન સામે પીઠ કરી પટો ઢીલો કર્યો, ને કમર પર નીચો ઉતારી બાંધી દીધો.
અહીં પડી રહીને મોતની રાહ જોયાં કરવાથી શો લાભ ? એના કરતાં તો ઘોડા પર બેસીને ભાગી જવું સારું!’ આ વિચાર અને એકાએક સ્ફૂર્યો. ઘોડાની પીઠ પર કોઈ માણસ હશે તો તે ચાલશે.’ નીકીટાની યાદ આવતાં વિચાર આવ્યો : ‘એને તો જીવવું