લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
 


ચલાવી, જે દિશામાં જંગલ અને ચોકીદારનું ઝૂંપડું છે એવી અટકળ તેણે કરી હતી તે દિશાએ વાળ્યો હતો. બરફ તેની આંખોમાં ભરાઇ જતો હતો; ને પવનનો તેને રોકવાનો નિશ્ચય હોય એમ દેખાતું હતું. છતાં તેણે તો માથું નીચું નમાવ્યું; ને ઘોડાની ડલ્લી તેને ખૂંચતી હતી તેની ને પોતાના શરીરની વચ્ચે ફરીફરી ડગલાની ચાળ ખોસ્યાં કરી; ને ઘોડાને હાંક્યે રાખ્યો. ઘોડો જે દિશામાં એને વાળવામાં આવતો હતો તે દિશામાં, મુશ્કેલીથી છતાં શેઠનો હુકમ માથે ચડાવીને, રવાલની ચાલે ચાલતો હતો.

વાસીલીએ પાંચેક મિનિટ ઘોડાને સીધો ચલાવ્યો. પણ તેને ઘોડાનું માથું ને ધોળા બરફનું રણ એ સિવાય કશું દેખાતું નહોતું. ઘોડાના ખભા આગળ ને પોતાના ડગલાના કૉલરની આસપાસ પવનનો સુસવાટ થતો હતો તે સિવાય કશું સભળાતું નહોતું.

એકાએક સામે એક કાળું ધાબું દેખાયું. તેનું હૃદય હરખથી નાચી ઊઠ્યું, ને તેણે ઘોડો એ ધાબા તરફ વાળ્યો. તેને કલ્પનામાં ગામડાનાં ઘર પણ દેખાવા માંડ્યાં હતાં. પણ એ કાળું ધાબું સ્થિર નહોતું, હાલ્યાં કરતું હતું; અને એ ગામ નહોતું, પણ બે ખેતર વચ્ચેની પાળ પર બરફમાં ચોંટી રહેલાં ઊંચાં ઠૂંઠાં ઝાડવાંનાં હતાં. તે પવનના સપાટામાં જોરથી ઊડી રહ્યાં હતાં; ને પવન એ સહુને એક દિશામાં વાળી તેની વચ્ચે થઈને સૂસવી રહ્યો હતો. નિર્દય પવનની સતામણી ભોગવી રહેલાં એ ઝાડવાંને જોઇ વાસીલીને કોણ જાણે કેમ કંપારી આવી ગઇ. તેણે ઘોડાને ઉતાવળે હાંક્યો. તેને એ ખ્યાલ ન રહ્યો કે ઝાડવાં પાસે થઈને પસાર થયા પછી તેણે દિશા સાવ બદલી નાખી હતી, ને હવે તે પહેલાંથી ઊલટી જ દિશામાં જતો હતો; પણ એના મનમાં તો એમ જ હતું કે હુંં ઝૂંપડાની દિશામાં જઇ રહ્યો છું. ઘોડો ફરીફરી જમણી બાજુ વળવા જતો હતો, ને વાસીલી એને ફરીફરી ડાબી બાજુ વાળતો હતો.