ફરી સામે કંઈક કાળું કાળું દેખાવા લાગ્યું. તે ફરી હરખાયો. તેને ટાઢક વળી કે હાશ, હવે તો ગામડું આવ્યું. પશુ એ તો ફરી એની એ જ ઝાડવાંવાળી ખેતરની હદ હતી. એનાં એ જ ઝાડવાં પવનમાં ઊછળી રહ્યાં હતાં. એ જોઇને એના હૃદયમાં કંઈક અકળ બીક પેસી ગઈ પણ એ એનાં એ ઝાડવાં હતાં એટલું જ નહોતું; કેમકે એની પાસે જ ઘોડાનાં પગલાં પડેલાં હતાં ને તેના પર કાંક ક્યાંક બરફ ફરી વળેલો હતો. વાસીલી થોભ્યો, ને તેણે નીચા નમી કાળજીથી નિરીક્ષણ કર્યું. એ ઘોડાનાં જ પગલાં હતાં; ને તેમાંથી કેટલાંક જ બરફ છવાઈ વળવાથી ભૂંસાયેલાં હતાં. એટલે એ એના ઘોડાનાં જ પગલાં હોઈ શકે. એનો અર્થ એ કે તે એક નાના સરખા કુંડાળામાં ફરી આવ્યો હતો. તેને થયું આ રીતે તો હું મરી જ જવાનો. પણ એ બીકને વશ ન થવા માટે તેણે ઘોડાને વધારે જોરથી હાંક્યે રાખ્યો, ને બરફથી છવાયેલા અંધારામાં ડોક્યાં કરવા માંડ્યાં, પણ ત્યાં તો ક્યાંક ક્યાંક હાલતાં ને સહેજમાં સરકી જતાં ધોળાં ધાબાં જ દેખાવા લાગ્યાં. એકવાર એને એવો ભણકાર આવ્યો જાણે કૂતરાં ભસ્યાં કે વરુએ ગર્જના કરી. પણ એ અવાજ એટલા ઝાંખા ને અસ્પષ્ટ હતા કે એ ખરેખર સંભળાયા કે એના મને ઠાલી કલ્પના જ કરી એ તેને સમજાયું નહીં. એટલે તે થોભી ગયો, તે બહુ ધ્યાન દઈને સાંભળવા લાગ્યો.
એકાએક કઇંક ભયંકર, કાન ફાડી નાખે એવો, અવાજ તેને કાને ભટકાયો, ને તે બેઠો હતો તેની નીચે બધું કાંપી ને હાલી ઊઠ્યું તેણે ઘોડાની ગરદન પકડી, પણ ઘોડો પણ આખે શરીરે કાંપતો હતો, એટલે પેલો ભીષણ અવાજ વધારે ભયંકર લાગવા માંડ્યો. થોડી પળ તો વાસીલીનો જીવ હેઠો બેઠો નહીં, તેમ શું થાય છે એની એને સમજ પડી નહીં. વાત તો એ હતી કે ઘોડાએ, કાં તો હોશમાં આવવા અથવા મદદ માગવા, જોરથી ને