લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
 


કંઈક સળવળાટ થઈ રહ્યો છે. એટલામાં તો નીકટાનું માથું તેના પર છવાઇ ગયેલા બરફમાંથી ઊંચું થયું. નીકીટાનું અડધું શરીર અકડાઈ ગયું હતું. તે મહાપરાણે ઊઠીને બેઠો થયો. જાણે માખીઓ ઉડાડતો હોય એમ વિચિત્ર રીતે નાક સામે હાથ હલાવવા લાગ્યો. વાસીલીને લાગ્યું એ મને બોલાવે છે. વાસીલી ! ઓછાડ ઓઢાડ્યા વિનાનો જ મૂકીને ગાડી પાસે ગયો.

‘શું છે? શું કહે છે?’

‘હું મ......રી જાઉં છું, એ,’ નીકીટાએ થોથરાતી જીભે, ને મહામુસીબતે કહ્યું. ‘મારૂં જે લેણું નીકળે તે મારા છોકરાને આપજો. મારી બૈરીને આપશો તોયે વાંધો નથી.’

‘હેં, તું ખરેખર અકડાઈ ગયો છે.?’

‘મને લાગે છે મોત મને લઇ જાય છે. ઇસુ ભગવાનને ખાતર મારું બોલ્યુંચાલ્યું માફ કરજો......’ નીકીટાએ અશ્રુમિશ્રિત સ્વરે કહ્યું, અને માખીઓ ઉડાડતો હોય એવી રીતે મોઢા સામે હાથ હલાવવો ચાલુ રાખ્યો.

વાસીલી અડધી મિનિટ હાલ્યાચાલ્યા વિના અવાચક ઊભો રહ્યો. પછી એકદમ, સરસ ખરીદી કરતો હોય ત્યારે જેવા નિશ્ચયથી બે હાથે તાબોટા પાડવાની તેને ટેવ હતી તેવા જ નિશ્ચયથી તેણે એક ડગલું પાછળ ભર્યું, અને બાંયો ઊંચી ચડાવી નીકટાના શરીર પરથી ને ગાડીમાંથી બરફ ઉસેડવા માંડ્યો. એટલું કરી તેણે ઉત્તાવળે કમરપટો છોડ્યો; મોટા ડગલાનાં બટન ખોલી નાખી તેને પહોળો કર્યો; અને નીકીટાને હડસેલો મારી સુવાડી દઇ, પોતે તેના પર સૂઈ ગયો; ને નીકીટાને પોતાના મોટા રુંવાટીના ડગલા વડે જ નહીં, પણ પોતાના આખા હૂંફાળા શરીરવડે ઢાંકી દીધો. ડગલાની ચાળ છૂટી રહી હતી તે નીકીટાના શરીર અને ગાડીની બાજુની વચ્ચે ખોસી દીધી, ને તેની કોરને પોતાના ઢીંચણ વડે દબાવી રાખી. એવી રીતે વાસીલી ઊંધે મોઢે સૂઇ ગયો, ને માથું ગાડીના આગલા ભાગ