આ સ્થિતિમાં તેને હવે ઘોડાની હાલચાલ કે પવનનો સૂસવાટ સંભળાય એવું ન રહ્યું; ફક્ત નીકીટાનો શ્વાસોચ્છ્વાસ જ સંભળાવા લાગ્યો. પહેલાં, ને લાંબા વખત સુધી, નીકીટા અચેતન જેવો પડી રહ્યો. પછી તેણે ઊંડો નિસાસો નાખ્યો ને સહેજ હાલ્યો.
‘લે, તું તો કહે છે ને મોત આવે છે ! ચૂપચાપ પડી રહે ને ગરમાવો આવવા દે. આપણા લોકો એમ જ કરે છે...’ વાસીલીએ કહેવા માંડ્યું.
પણ એને જોઇને ભારે આશ્ચર્ય થયું કે આથી વધારે કશું તેનાથી બોલી શકાયું નહીં, તેની આંખમાં આંસુ આવ્યાં, ને તેનું નીચલું જડબું જોરથી ધ્રૂજવા લાગ્યું. તે બોલતો બંધ થઇ ગયો, ને તેને ડૂમો ભરાઈ આવ્યો. તેને થયું: ‘મને લાગે છે હું બહુ છળી ગયો હઈશ, તેથી મારા શરીરમાં જરાયે શક્તિ રહી નથી.’ પણ આ અશક્તિ એને અકારી ન લાગી, એટલું જ નહીંં પણ તેનાથી એને જેવો અસાધારણ આનંદ આવ્યો તેના પહેલાં કદી આવ્યો નહોતો.
‘આપણા લોકો આમ જ કરે છે,’ તે ગણગણ્યો; ને તેણે વિચિત્ર ને ગંભીર કોમળતાનો ભાવ મનમાં અનુભવ્યો. તે લાંબા વખત સુધી આવી રીતે પડી રહ્યો. આંખમાં આંસુ આવેલાં તે ડગલા પર લૂછી નાખ્યાં; ને જમણી બાજુની ચાળને પવન વારંવાર ઉડાડતો હતો તેને પોતાના ઢીંચણ નીચે ખોસી દીધી.
પણ એની આનંદની અવસ્થા વિષે કોકને કહેવાની એને એટલી બધી તીવ્ર ઈચ્છા થઈ આવી હતી કે તેણે કહ્યું : ‘નીકીટા !’
‘ટાઢ નથી વાતી, હૂંફ લાગે છે!’ નીચેથી અવાજ આવ્યો.
‘બરાબર છે, દોસ્ત. હું તો મરી જવાનો જ હતો. તું ઠરીને મરી જાત, ને હું પણ.......’
પણ ફરી પાછાં તેનાં જડબાં કાંપવા લાગ્યાં, તેની આંખો આંસુથી ભરાઈ આવી, ને તે વધારે બોલી શક્યો નહીં.